રાજકોટ-

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસના આંકડામાં બાંધણુ થઇ ગયા જેવી હાલતમાં આજે કોરોનાથી વધુ 23 દર્દીના સારવાર દરમ્યાન મોત થયા છે. 25 મૃત્યુમાંથી કોવિડના કારણે એક જ મૃત્યુ થયાનો રિપોર્ટ જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયો છે.

રાજકોટ જિલ્લામાં 23 દર્દીના સારવાર દરમ્યાન મોત થયા છે. ચાલુ સપ્તાહમાં થયેલા મૃત્યુની સરેરાશના પ્રમાણમાં આજે આંકમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતુ આરોગ્ય સચિવના ફરી આગમન બાદ શહેરના અને બહારગામના કેટલા દર્દીના મોત એ સ્પષ્ટતા લોકોને આપવાનું બંધ કરી દેવાયું છે. જેનાથી લોકોનો ભય ઘટશે કે વધશે એ સવાલ મોટો બની ગયો છે. મહાનગર સહિત રાજકોટ જિલ્લાની હાલત અમદાવાદ જેવી થતી જતી હોવાના સંજોગો વચ્ચે અદાલતે પણ સરકારી તંત્રની આગોતરી કામગીરીને આડે હાથ લીધી હતી. તે દરમ્યાન ફરી આરોગ્ય સચિવ રાજકોટ આવ્યા છતાં કેસમાં ઘટાડાના કોઇ અણસાર નથી. તંત્રો માત્ર આંકડાના ખેલ રમે છે જેનું પણ પૂર્ણ સત્ય જાહેર કરવા ટકોર કરાઇ છે. ટેસ્ટીંગ ખૂબ વધવા છતાં કેસની સ્થિર સંખ્યા શંકાઓ વધારે છે. 

આજના 23 મોત સામે ચાલુ સપ્તાહમાં સોમથી શનિવાર એમ છ દિવસમાં 177 લોકોના કોરોના સારવારમાં મૃત્યુ થયા છે. જેમાંથી સત્તાવાર કોવિડ ડેથ તંત્રએ એક જ આંકડામાં સ્વીકાર્યા છે. ચાલુ અઠવાડીયામાં તા.15ના રોજ સૌથી વધુ 39 મૃત્યુ નોંધાયા હતા. આજે શહેરમાં વધુ 90 અને જિલ્લામાં 393 માઇક્રો ક્નટેનમેન્ટ વધુ જાહેર કરવામાં આવ્યા છે.સપ્ટેમ્બર માસમાં રાજકોટમાં કોરોના કાબુ બહાર હોવાનું ચિત્ર છે. તો વધતા મૃત્યુ આંકથી નાગરીકોમાં ભય વધુ ઉંડો ઉતરી ગયો છે. રાજકોટ જિલ્લાના પાંચ તાલુકા અને રૂડા વિસ્તારના 393 મકાનોમાં કોરોનાના કેસો મળી આવતા જિલ્લા કલેકટરે ક્નટેનમેન્ટ ઝોન કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધીત કરી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.