મહેસાણા -

મહેસાણા શહેર સહિત જિલ્લાને કોરાના વાયરસનો ભરડો સતત વધુને વધુ કસાઈ રહ્યો હોય તેમ સોમવારે પણ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૧૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬ મળીને વધુ ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ઉપરાંત મહેસાણાનાં ૮૫ વર્ષિય મહિલાનું ધારપુર હોસ્પિટલમાં જ્યારે કડીના ૬૫ વર્ષિય પુરૂષનું ગાંધીનગર GMERS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૩૦ થઈ ગઈ છે તો કોરોનાથી ૩૭ દર્દીઓ મોતને ભેટ્યાં છે અને ૨૯૯ દર્દીઓ કોરોનામુક્ત પણ થયાં છે. હાલમાં કુલ ૧૯૪ દર્દીઓ એક્ટિવ કેસ તરીકે સારવાર હેઠળ છે. 

જિલ્લામાં સોમવારે નોંધાયેલા ૨૩ પોઝિટિવ કેસમાં મહેસાણા શહેરના ૧૦ વર્ષના એક બાળખ સહિત ૯ કેસ છે, જ્યારે મહેસાણા તાલુકાના પુનાસણનો એક યુવાન અને દેદિયાસણ જીઆઈડીસીમાં એક આધેડ સંક્રમિત થયા છે. ઉપરાંત કડી શહેરમાં પાંચ, વિસનગર શહેરમાં એક મહિલા અને તાલુકાના કમાણા ગામનાં મહિલા, વિજાપુર શહેરમાં એક ૩૮ વર્ષિય પુરૂષ તથા તાલુકાના કુકરવાડાના ૬૨ વર્ષિય પુરૂષ, ઊંઝાના ૩૦ વર્ષિય યુવાન અને ૫૧ વર્ષિય આધેડ પુરૂષ, બહુચરાજીના ૪૨ વર્ષિય પુરૂષ અને જોટાણાના ચાલાસણનાં ૭૫ વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયાં છે. મહેસાણા શહેર સહિત જિલ્લામા કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.