વડોદરા : ગઈકાલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલમાં વારસિયા વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાજપૂતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યાર બાદ કોઈ કારણોસર મૃતદેહ લઈને મૃતકના સગાઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલની પોલીસ ચોકીમાં કરવામાં આવતાં જ્યાં બે પોલીસ કર્મચારીઓ રાજાપાટમાં હોવાનું જણાઈ આવ્યું હતું.

આ બંને પોલીસ કર્મચારીઓએ દારૂના નશામાં હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડને તેમજ મૃતકના સગાઓને માર મારતાં હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ભારે ભાગદોડ મચવા સાથે હંગામો મચી ગયો હતો. જાે કે, મૃતકના સગાને ફોન કરતાં સગાઓ મૃતદેહ લઈને હોસ્પિટલ ખાતે પરત આવી પહોંચ્યા હતા. તે બાદ ફરજ પરના તબીબોએ કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં મોકલી આપ્યો હતો.

આ અંગે મળતી વિગત અનુસાર શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વીમા દવાખાના પાસે રહેતા વિજયભાઈ બાબુભાઈ રાજપૂત (ઉં.વ.૪૬)નાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ તેના મૃતદેહને સગાઓ સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના એમએલઓ તબીબ દ્વારા કોરોના આરટીપીસીઆર સહિતની કાયદેસરની કાર્યવાહી કરતા હતા, એ દરમિયાન મૃતકના સગાઓ મૃતદેહને લઈને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફરજ પરના તબીબી અધિકારીઓને થતાં તેઓએ સિકયુરિટી ગાર્ડ સંજય બારિયાને રાવપુરા પોલીસ ચોકીમાં જાણ કરવા જણાવ્યું હતું. જેથી સિકયુરિટી ગાર્ડ સંજય બારિયા પોલીસ ચોકી ગયો હતો. જ્યાં પોલીસ ચોકીના એએસઆઈ કિરણભાઈ અને પો.કો. આશિષ નામના બે પોલીસ કર્મચારીઓ દારૂ પીતા નજરે પડયા હતા. આ બંને પોલીસ કર્મચારીઓને હોસ્પિટલની સૂચના મુજબ મૃતદેહ લઈ ફરાર થઈ ગયા અંગેની જાણ સિકયુરિટીએ કરી હતી. આ બંને પોલીસ કર્મચારીઓના રંગમાં ભંગ પડતાં બંનેએ સિકયુરિટી ગાર્ડને દારૂના નશામાં ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. જેથી અન્ય સિકયુરિટી જવાનો દોડી આવ્યા હતા. આ પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં હોવાથી બીભત્સ ગાળો અને વાણીવિલાસ કરતા હતા. જેથી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લોકોના ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. આ બનાવની જાણ તબીબો દ્વારા રાવપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો. કેસ પેપર ઉપર લખેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે મૃતકના સગાને ફોન કરતાં સગાઓ મૃતદેહ લઈને પરત હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાર બાદ ફરજ પરના તબીબોએ કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં મોકલી આપ્યો હતો. હોસ્પિટલની પોલીસ ચોકીના બંને કર્મચારીઓએ મૃતકના સગાઓને પણ માર માર્યો હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવને ૫ગલે લોકટોળા એકત્રીત થયા હતા. તેમ છતાં પોલીસ કર્મચારીઓ દ્વારા બિભત્સ વાણી વિલાસ ચાલુ રાખ્યો હતો. જેથી ઉપસ્થિત લોકો શોક અનુભવતા હતા.

હોસ્પિટલના સિકયુરિટી સુપરવાઇઝર ગાર્ડના બચાવમાં આવવાને બદલે પાણીમાં બેસી ગયા

સયાજી હોસ્પિટલમાં ડી.જે.નાકરાણીના ચાલતા સિકયુરિટીના કોન્ટ્રાક્ટમાં સિકયુરિટી સુપરવાઈઝર બારોટ પોલીસ સાથે સીધેસીધા ઘર્ષક કે સંબંધ બગાડવા માગતા ન હોવાથી તેમને પોતાના સિકયુરિટી ગાર્ડને બંને પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવા છતાં આ બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવાનું ટાળી બચાવ કરવામાં સક્રિય બન્યા હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટમાં સિકયુરિટીની ફરજ બજાવતા કેટલાક સિકયુરિટી ગાર્ડ સુપરવાઈઝરના આવા વર્તનથી અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સયાજી હોસ્પિટલના મારામારીના બનાવમાં પોલીસ ફરિયાદી કેમ ન બની?

સયાજી હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડને વગરવાંકે માર મારવાના બનાવમાં પોલીસે ફરિયાદી બનીને ખોટું કામ કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેમ ગુનો ન નોંધ્યો એ ચર્ચાએ જાેર પકડયું છે. કેટલાક બનાવોમાં કોઈ ફરિયાદી ન હોય તો પોલીસ જાતે ફરિયાદી બની બનાવનો ગુનો નોંધીને ફરિયાદી બનતા હોય છે. તો આ બનાવમાં કેમ નહીં આ એક પ્રશ્ન હોસ્પિટલના કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ કર્મચારીઓના ગુનાને છાવરવા તેમજ બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું કહેવાય છે.