વડોદરા

બોગસ માર્કશિટ કેસના મુખ્ય સૂત્રધાર અને હાલ જેલવાસ ભોગવી રહેલા વિક્કી સરદાર સામે લૉન અપાવવાના બહાને રૂા.૨૩ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. પીસીબી દ્વારા ચાલતી તપાસમાં બોગસ લોનમાં અનેક સાથે વિકકી સરદારે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પ્રતાપનગરના વેપારીએ છેતરપિંડી અંગે વિક્કી અને વરુણ નામના સાથીદાર સામે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.

પ્રતાપનગર ખાતે રહેતા મહોમ્મદ અલી અબ્દુલ કાઝીકી વાઘોડિયા જીઆઈડીસી ખાતે કરાર પેકેજિંગ ઈન્ડ નામે કંપની ધરાવે છે. જેમને ધંધાનો વિકાસ કરવા માટે રપ કરોડ રૂપિયાની લોનની જરૂરિયાત ઊભી થતાં મિત્રએ રાજાવીર એન્ટરપ્રાઈઝના પ્રોપાઈટર સુખપાલસિંગ ગુરુનામસિંગ વાલા ઉર્ફે વિક્કી સરદાર મોટી રકમની લોન અપાવતો હોવાનું જણાવ્યું હતું. એમનો સંપર્ક કરતાં આર.વી.દેસાઈ રોડ ઉપર વીએમએસ મોબાઈલની દુકાન ધરાવતા વરુણ આહુજા તે કોસમોસ કન્સલ્ટન્સી નામની ફર્મ ક્લાસિક ટાવર અકોટા ગાર્ડનનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ત્યાર બાદ રૂા.રપ કરોડના લોનના એમઓયુ કર્યા હતા અને પ્રોસેસિંગ પેટે ૧૩ લાખની માગ વિક્કી અને વરુણે કરી હતી જે મહોમ્મદ અલીએ આરટીજીએસ મારફતે ચૂકવ્યા હતા. ૧૦ દિવસમાં લંડનની મોનિકા વેલ્સ લિમિટેડ કંપનીમાંથી રૂા.પ કરોડની લોન આવશે એમ જણાવ્યું હતું. ૧૫ દિવસ છતાં લોનની રકમ નહીં આવતાં બંનેનો સંપર્ક પુનઃ કરતાં બીજા રૂા.૧૦ લાખ ચૂકવાય તો એક સપ્તાહમાં લોન આપવાનું કહ્યું હતું, જેના કારણે આરટીજીએસથી ૧૦ લાખ અપાયા હતા. તેમ છતાં લોન નહીં અપાતાં પ્રોસેસ ચાર્જની રકમ પરત માગતાં બંને દ્વારા ડીસીબી બેન્કના ર૩ લાખના બે ચેક અપાયા હતા, જે બેન્કમાંથી પેમેન્ટ સ્ટોપ્ડબાય ડ્રોઅરના લખાણ સાથે પરત ફર્યા હતા. આમ પ કરોડની લોન અપાવવાના બહાને સુખપાલસિંગ ઉર્ફે વિક્કી સરદાર અને વરુણ આહુજાએ ર૩ લાખ રૂપીયાની છેતરપિંડી કરી હતી. નાણાંની ઉઘરાણી દરમિયાન વારંવાર મારી નાખવાની ધમકીઓ પણ અપાતી હોવાનું પોલીસ કમિશનરને થયેલી લેખિત્‌ ફરિયાદમાં જણાવાયું છે.