વડોદરા : શહેરના ન્યુ સમા રોડ પર આવેલ વેલાણીસ નામની હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતા કર્મચારીના બંધ મોબાઇલ સીમકાર્ડ બીજાના નામે ચાલુ કરીને ઓનલાઇન થકી ૯૯ હજારની કિંમતના ત્રણ મોબાઇલની ખરીદી કરવા સાથે કર્મચારીના બેંકખાતામાંથી બે હપ્તા પણ કપાવનાર સુરતના બે ભેજાબાજને પોલીસે જેલમાં મોકલી આપ્યા પછી તેના અન્ય સાગરિત યુપીમાં બેચલર ઓફ કોમર્સ સુધીનો અભ્યાસ કરનારની શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ગઠીયા બે કરોડના ફ્રોડને અંજામ આપે તે પહેલા જ પકડી પાડયા હતા.

મળતી માહિતી મુજબ શહેરના પ્રતાપનગર રોડ પર રણમુક્તેશ્વર મંદિર પાસે લુહારવાસમાં રહેતા વિક્રમભાઇ ભીખાભાઇ લુહાર ન્યુ સમા રોડ પર આવેલી વેલાણીસ નામની હાર્ડવેરની દુકાનમાં નોકરી કરે છે.વિક્રમભાઇએ ઇલેક્ટ્રોનીકસ ઉપકરણોની ખરીદી માટે બજાજ કંપનીનું કાર્ડ લીધુ હતું.અને તેની પર ખરીદી કરી હપ્તા પણ ભરપાઇ કર્યા હતા. પણ છેલ્લા બે વર્ષ દરમ્યાન કાર્ડ થકી કોઇ ખરીદી કરી હોવા છતાં પણ એપ્રિલ ૨૦૨૧ના બજાજ કંપનીમાંથી હપ્તા માટે આવતા જાણવા મળેલ કે ઓનલાઇનથી બે મોબાઇલ ફોનની ખરીદી કરાઇ છે.અને બે હપ્તા પણ ભરાઇ ગયા છે. જાે કે ત્રીજાે હપ્તો બાઉન્સ થયો છે. જેથી વિક્રમભાઇએ તપાસ કરતા તેમના નામે રુ.૯૯,૯૭૯ની કિંમતના ત્રણ મોબાઇલની ખરીદી કરાઇ છે.અને બે હપ્તા પણ ભરાયા છે.જેથી વિક્રમભાઇએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદની તપાસ કરી રહેલી સાયબર ક્રાઇમને જાણવા મળેલ કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પ્રિયંક રેસીડેન્સીમાં રહેતા રાકેશ રમેશ ખાખરીયા તેમજ મોટા વરાછા વિસ્તારમાં આવેલ સહજાનંદ હાઇટસમાં રહેતા ભાર્ગવ કેશવ પાંમ્ભરે મળીને વિક્રમભાઇનું બંધ સીમકાર્ડ બીજાના નામે ચાલુ કરીને આ ગુન્હાને અંજામ આપ્યો હતો.જેથી સાયબર ક્રાઇમે રાકેશ અને ભાર્ગવની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા.પોલીસ પુછતાછમાં આ બનેએ બજાજનું કાર્ડ ચાલુ છે કે બંધ છે તે અંગે અગાઊ બજાજ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો યુપી અને હાલ સુરત ડીંડોલીમાં રહેતો જયપ્રકાશ દીનેશ શુકલા માહિતી આપતો હતો.અને પોતાના આઇડી પરથી સીમકાર્ડ બંધ થયેલ નંબરોના લીસ્ટ આધારે બજાજનું કાર્ડ એકટીવ છે. કે કેમ તે ચેક કરીને રાકશને આપતો હતો.જેથી પોલીસે જયપ્રકાશની ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સને આધારે પકડી પાડી તેનો કોવિડ ટેસ્ટ કરી રીમાન્ડ મેળવવાની કાર્યવાહી શરુ કરી છે.

ગેંગ બે કરોડનું ફ્રોડ કરવાની પેરવીમાં હતી તે વખતે જ પોલીસના હાથે ઝડપાયો

 રાકેશે ભાર્ગવ પાસેથી આશરે એક લાખ (૧ લાખ ) બંધ મોબાઈલ નંબર લીધેલ હોય અને આ મોબાઈલ નબંર પર બજાજનુ કાર્ડ એકટીવ છે કે નહી તે તપાસ કરવા જયપ્રકાશ ને આપેલા હતા .અને આશરે બે કરોડનુ ફ્રોડ કરવાના પ્લાનીંગ હતા.પોલીસે લેપટોપ માંથી એક લાખ બંધ મોબાઈલ નંબરોના ડેટા તપાસ અર્થે કબજે કર્યા છે.આ સાથે સુરતમાં જ રહેતા હેમંત વાશી, રોશન કુમાર, અમદાવાદના રવિકાંત પરમાર, રુપલ જાની, ખેડાના કિશોર પરમાર, મહેશ પરમાર તેમજ અશોક વાઘેલના નામના સીમકાર્ડ ક્બ્જે લીધા છે.આ તમામ સામે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાઇ હતી.