મુંબઇ

એન્ટિલિયા કેસ બાદ થઈ રહેલા નવા નવા ઘટસ્ફોટથી મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે અને ભાજપને પ્રહાર કરવાનો મોકો આપી દેવામાં આવ્યો છે. આ જ મુદ્દે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં ભાજપનેતાઓએ બુધવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો, ટ્રાન્સફર વિવાદ અને સચિન વઝે સહિત ઘણા મુદ્દે ભાજપે રાજ્યપાલની દખલગીરીની માગ કરી હતી.

બીજી બાજુ, રાજ્યપાલથી ભાજપનેતાઓ સાથેની મુલાકાત કરીને સંજય રાઉતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આજે જે લોકો મળવા ગયા તે દરેક ભાજપના નેતા અને કાર્યકર્તા છે. રાજ્યપાલ પણ ભાજપના કાર્યકર્તા જ છે. અહીં તેમના ઘરે મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન પત્રકારોએ જ્યારે સંજય રાઉતને પૂછ્યું કે તમે રાજ્યપાલને ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છો, પરંતુ તેઓ તો બંધારણીય પદ પર છે. એ વિશે રાઉતે કહ્યું, તેઓ પહેલાં ભાજપના કાર્યકર્તા હતા, સંઘના પ્રચારક હતા તો શું તેમને ભાજપના કાર્યકર્તા ના કહી શકાય?

રાઉતના નિવેદન પર ફડણવીસે આકરા પ્રહાર કરતાં કહ્યું, તેમની પાસે ઘણો સમય છે અને જ્યારે તમારી પાસે કોઈ ન્યૂઝ નથી હોતા તો તમે તેમની પાસે પહોંચી જાઓ છે. તે કોઈ એટલા મોટા નેતા તો નથી કે તેમના દરેક સવાલના જવાબ હું આપું. અમે જતા રહીએ ત્યારે ભાજપના નેતા અને તમે જ્યારે કમરથી વળીને પ્રણામ કરો છો તો તે કોના નેતા છે?

રાજ્યપાલ સાથે મુલાકાત પછી ફડણવીસે કહ્યું, રાજ્યમાં આ સમયે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે 100થી વધારે મુદ્દા પર રાજ્યપાલ સાથે વાત કરી છે. તેમાં સચિન વઝે, ટ્રાન્સફર- પોસ્ટિંગ, કોરોનાની હાજરી અને રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દા પણ સામેલ છે. અમે ઈચ્છીએ છીએ કે અમે રાજ્યપાલ સાથે જે પણ વાત કરી એનો સરકાર અમને જવાબ આપે. પોલીસનો ઉપયોગ પૈસા વસૂલી માટે કરવામાં આવી રહ્યો છે. જે ઓફિસરોને ટ્રાન્સફરના બહાને ધમકાવવામાં આવી રહ્યા છે તેમને સુરક્ષા મળવી જોઈએ.