વડોદરા : પોર જીઆઇડીસીમાં આજે મળસ્કે પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી બંધ કંપનીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી.આ આગને બુઝાવવા વડોદરા ફાયર બ્રિગેડને બે કલાકનો સમય લાગ્યો હતો.સવારે પવન પણ હોવાથી આગ બુઝાવવા ભારે જહેમત કરવી પડી હતી.આ કંપની બંધ હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.પરંતુ મોટુ નુકસાન થયાનો અંદાજ છે.

પોર જીઆઇડીસીમાં આવેલ પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી શ્રીનાથજી પ્લાસ્ટિક નામની બંધ કંપનીમાં મળસ્કે ૫-૨૫ વાગે આગ લાગી હતી.આ આગ પ્લાસ્ટિકના કારણે ધીમેધીમે વિકરાળ બની હતી.અને જાેત જાેતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઇ હતી.આ આગ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરાતા જ મેજર કોલ જાહેર કરી ફાયર ફાઇટરની ટીમ રવાના કરી દેવામા આવી હતી.અને ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.જાે કે સવારે પવન હોવા સાથે કંપનીમાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવવામાં માટે ઉપયોગી મટીરીયલ પણ હોવાથી આગ વધુને વધુ વકરી રહી હતી.તેમ છતાં પણ પાણીનો મારો ચલાવીને આખરે બે કલાકે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે સલામતીના પગલારુપે બાજૂમાં આવેલી કંપની સુધી આગ ન પહોચે તેની તકેદારી રાખી હતી.આ કંપની બંધ હોવાથી કોઇ જાનહાનિના અહેવાલ નથી.પણ આગથી કંપનીને મોટા નુકસાનનો અંદાજ છે.