અરવલ્લી : ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૪મી સપ્ટેમ્બરના રોજ ૪ નરાધમોના પાશવી બળાત્કાર અને ક્રૂર હિંસાનો ભોગ બનેલી ૨૦ વર્ષીય દલિત યુવતી ૧૫ દિવસ જેટલો સમય મોત સામે ઝઝુમ્યા બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી. ર્નિભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી આ ઘટનામાં દલિત બળાત્કાર પીડિતા સાથે આરોપીઓએ દુષ્કર્મ આચરી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો.  

યુવતીની જીભ કપાઇ ગઇ હતી. તેના શરીરમાં સંખ્યાબંધ ફ્રેક્ચર હતાં અને આ ઘટના બાદ ગરદનમાં થયેલી ઇજાના કારણે લકવો મારી ગયો હતો.આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. દેશની જનતા અને દલીત સમાજમાં ભારે આક્રોશ છે. જીલ્લા પરિસરમાં વાલ્મીકિ સંગઠનો,સામાજિક સંસ્થાઓ અને કોંગ્રેસે યોગી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરી હતી.ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઇને અરવલ્લી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વાલ્મિકી સંગઠનના આગેવાનો સામાજિક સંસ્થાઓ અને કોંગ્રેસના આગેવાનોએ પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.