વડોદરા,તા. ૨૮  

એમ.એસ.યુનિ.માં આજે યોજાયેલી સિન્ડિકેટની બેઠક અગાઉ વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં બિઝનેસ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં શિક્ષકોની નિમણૂંક કરવા બાબતે તેમજ એબીવીપી દ્વારા કોમર્સ ફેકલ્ટીના પ્રાંગણમાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સ્થાપન કરવા અને માસ્ટર્સના તમામ કોર્સમાં બેઠકો વધારવા માટે સિન્ડિકેટ સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠન એજીએસયુ ના એફ.આર પંકજ જયસ્વાલ દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતુંકે, કોમર્સ ફેકલ્ટીમાં ૧૦ દિવસ અગાઉથી નવું શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયું છે. જોકે, ફેકલ્ટીના બિઝનેસ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં એક પણ શિક્ષક ન હોવાથી આઈ.ઈ.એસ નામના વિષયનો એકપણ કલાસ યોજાયો નથી. જો, આ વિષયના શિક્ષકની ઝડપથી નિમણૂંક નહિ થાય તો પરીક્ષા સમયે ઝડપી કોર્સ ચલાવીને પરીક્ષાઓ લેવાશે. જેના કારણે વિદ્યાર્થીઓને જ નુકસાન થશે. જેને લઈને વિષય શિક્ષકની ઝડપથી નિમણૂંક કરવામાં આવે.

એબીવીપી દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ, યુનિવર્સીટીમાં હાલમાં માસ્ટર્સ એટલે કે અનુસ્નાતક ડિગ્રી માટેના કોર્ષોમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, એમ.એસ.યુનિ.માં સ્નાતકના કોર્સમાં ઉપલબ્ધ સીટો કરતા અનુસ્નાતકના કોર્ષોમાં સીટોની સંખ્યા ખુબ જ ઓછી છે. જેને લઈને એમ.એસ.યુનિ.માંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને એડમિશન માટે અન્ય જગ્યાઓ જવું પડતું હોય છે.