અમદાવાદ ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરાઇ છે. યુથ કોંગ્રેસની ચૂંટણીમાં તેઓને બહુમતી મળી છે. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેઓની નિમણૂંક કરાઇ છે. એટલે કે, હવે ગુલાબસિંહ રાજપૂતના સ્થાને વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી હતી. લાંબી મથામણના અંતે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોપવા ર્નિણય કર્યો હતો. આ ઉપરાંત સિનિયર આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભા વિપક્ષના નેતાપદે પસંદગી કરાઇ હતી. દિપક બાબરિયાના નામની ચર્ચા બાદ વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે ર્નિણય ફેરવવો પડયો હતો.