વડગામ,તા.૧૫ 

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (એસ.એસ.આઈ.પી.) એ રાજ્ય સરકારની યોજના છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમિયાન સંશોધન અંગેનું વાતાવરણ મળે તથા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને તેમને અભ્યાસકાળ દરમિયાન કોઈપણ પ્રકારનું સંશોધન કરવું હોય તો સંશોધનના દરેક તબક્કે દરેક પ્રકારની મદદ કરવી જેથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સંશોધન કરી શકે અને દેશને સારું સંશોધન મળે. વિદ્યાર્થીને શોધ અથવા તો સંશોધન અંગેના વિચાર ઉદ્દભવવાથી શરૂ કરીને શોધ અથવા સંશોધનના પેટન્ટ કરવા સુધી આર્થિક, તાંત્રિક તથા દરેક પ્રકારની મદદ આ યોજના દ્વારા કરવામાં આવે છે. કૃષિ અને સંલગ્ન વિષયમાં સંશોધનની વિપુલ શક્યતાઓને ધ્યાનમાં રાખી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર ૨૦૧૯માં એસ.એસ.આઈ.પી. નું યોજનાનું કેન્દ્ર મળે તે માટે ઓનલાઇન દરખાસ્ત કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે સમયાંતરે ૩થી ૪ મિટિંગ બાદ ગુજરાત હાયર એજયુકેશન અંતર્ગતની ગુજરાત નોલેજ કોન્સોર્ટીયમ દ્વારા દાંતીવાડા સરદારકૃષિનગર ખાતે ૪૦ લાખ રૂપિયાની આ યોજના મંજુર કરવામાં આવી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર. કે. પટેલના સફળ નેતૃત્વ અને માર્ગદર્શનથી યુનિવર્સિટીના નિયામક વિદ્યાર્થી કલ્યાણ ર્ડા. કે. પી. ઠાકર અને એસએસઆઈપી કોર્ડીનેટર ર્ડા. એસ. પી. પંડ્યાની પ્રથમ હપ્તાના ચેક એસ.એસ.આઈ.પીના એડિશનલ સીઈઓ તુષારભાઈ રાવલ તથા હરદીપસિંહ ઝાલાના હસ્તે ગાંધીનગર મુકામે સુપ્રત કર્યો હતો. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે એસ.એસ.આઈ.પી.નું સેન્ટર મંજૂર થતાં યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા કરતા તેમના રસના વિષયનું શોધ સંશોધન કરી તેની પેટન્ટ નોંધાવવા સુધીની કામગીરી કરી શકશે. સફળ બિઝનેસમેન બની વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી શકશે તેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વિધાર્થી કલ્યાણ નિયામકે જણાવ્યું છે.