ગાંધીનગર-

વીજ કંપનીઓની મનમાની સામે અમદાવાદનાં કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને વીજ ગ્રાહકોને રાહત આપવામાં આવે તેવી માંગણી કરી છે. એટલું જ નહીં, વીજ મીટરો બદલવાનો આદેશ હોવા છતાં વીજ કંપનીઓ દ્વારા મીટરો બદલવામાં આવ્યા નથી, અને હવે ગ્રાહકોને દંડ ફટકારીને પરેશાન કરી રહયા છે. ત્યારે આ સંજોગોમાં વીજ કંપનીઓ દ્વારા વન ટાઈમ સેટલમેન્ટની જાહેરાત કરવાની માંગણી કરાઈ છે. જો આ મામલે સરકાર અને વીજ કંપનીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આ મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

ગુજરાત સરકારની વીજ વિતરક કંપનીઓએ રાજ્યમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003માં કરાયેલી જોગવાઈના સંદર્ભે રાજ્યની વીજ વિતરક કંપનીઓએ ડિસેમ્બર 2010 સુધીમાં 1.20 કરોડ જેટલા વીજ જોડાણ ધારકોનાં જૂનાં મીટર બદલવાનાં હતાં. પરંતુ વીજ કંપનીઓની મનમાની અને બેદરકારીને કારણે આ મીટરો આજ દિન સુધી બદલવામાં આવ્યાં નથી. હવે આ જ વીજ કંપનીઓએ જૂના મીટર હોવાથી બિલ ઓછું આવ્યું હોવાનું બહાનું કાઢીને ગ્રાહકોને દંડ ફટકારવા માંડ્યો છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ અને ઇમરાન ખેડાવાલાએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સરકારી વીજ કંપનીઓ તેમજ ખાનગી વીજ કંપની ટોરેન્ટ સહિતની વીજ કંપનીઓએ વીજચોરીને જડમૂળથી નાબુદ કરવા માટે વન ટાઈમ સેટલમેન્ટ પ્રક્રિયાની જાહેરાત કરવી જોઈએ. એટલું જ નહીં તેમણે આ મામલે તાકીદે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની ચીમકી પણ ઉચ્ચારીવામાં આવી છે.

કોંગ્રેસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલાએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાતના વીજગ્રાહકો જાણે કે, વીજ કંપનીઓની દયા પર જીવી રહ્યાં હોય તેવી સ્થિતિ છે. ટોરેન્ટ કંપની સહિત ખાનગી કંપનીઓ સત્તાપક્ષને ધનભંડોળ આપતી હોવાથી સરકાર દ્વારા નાગરિકોને પડતી હાલાકીની અવગણના કરીને પોલીસનો મનસ્વી રીતે ઉપયોગનો પરવાનો આપીને ખાનગી કંપનીઓને મજબૂત પીઠબળ પુરું પાડી રહી છે, તેમજ ગ્રાહકો પાસેથી લૂંટ ચલાવવાની છૂટ અપાઈ રહી છે. ધારાસભ્યએ પત્રમાં મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, તેઓ સરકારી અને ખાનગી વીજ કંપનીઓને આદેશ કરે કે અગાઉ જેમને દંડના મેમો અપાઈ ચૂક્યા છે, તેમને માનવતાના ધોરણે ભવિષ્યમાં કસૂર ના કરવાની શરતે 50 ટકા રકમ માફ કરી પ્રાયશ્ચિતની તક આપવામાં આવે. જો સરકાર અને ખાનગી વીજ કંપનીઓ નાગરિકો વતી અમારી રજૂઆતને સંવેદનાપૂર્વક ધ્યાને નહીં લેવામાં આવે તો અમારે ના છૂટકે આ મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવી પડશે.