છોટાઉદેપુર, છોટાઉદેપુર નગર ના મુખ્ય માર્ગ એવા પોસ્ટ ઓફિસ પાસે હાલ જ પાલિકા ના ઇજારદાર દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યો છે. ડામર રોડ એમ તો જૂનો રોડ ખોદી પિચિંગ કરી પછી બનાવવા નો હોય તો જ મજબૂત રહી શકે પરંતુ પાલિકા ના ખાસ મનાતા એવા ઇજારદાર દ્વારા જુના રોડ ઉપર જ ડામર કપચી પાથરી બનાવી દેવામાં આવ્યો છે. અને હદ તો એ કહેવાય કે રોડ બન્યા પછી રોડ ની મજબૂતી માટે કપચી ની ભૂકી પાથરવામાં આવતી હોય છે. જેથી ડામર અને કપચી સાથે કપચી ની ભૂકી નાના મોટા છિદ્રો આ પ્રસરી રોડ ની મજબૂતી માં સહાયરૂપ થાય પરંતુ આ કામ ના ઇજારદારે કપચીની ભૂકી છંટવાને બદલે અહીં ઓરસંગ નદીની સફેદ રેતી છાંટી દેવામાં આવી છે. હવે આ રોડ મજબૂત બનશે કે તકલાદી એ તો ચોમાસામાં જ નક્કી થશે પણ આ સફેદ રેતી ના કારણે રોડ પર ચાલતા બાઈક સવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રેક દબાવતા જ રેતી ના કારણે બાઈક સવારો સ્લીપ થઇ જવાની સંભાવના રહે છે. રેતી ના કારણે કંકરીઓ ઉડતા સ્થાનિક દુકાનદારો પણ હાલાકી ભોગવી રહ્યા છે.