તાજેતરમાં એશિયન જુનિયર ઓનલાઇન ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસને કારણે રમતગમત પ્રવૃત્તિ બંધ છે અને આઇપીએલ જેવી ટુર્નામેન્ટ પણ યોજી શકાતી નથી ત્યારે ખેલાડીઓ ઘરે જ રહે છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. એવામાં એક રમત એવી છે જેની ઉપર લોકડાઉનની અસર પણ પડતી નથી. આ ગેમ એટલે એશિયન જુનિયર ઓનલાઇન ચેસ ચેમ્પિયનશિપ જેમાં બંગાળની અર્પિતા મુખરજીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ તેણે ઘરબેઠાં જ મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.

આ ટુર્નામેન્ટમાં 43 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અર્પિતા તેમાં ત્રીજા ક્રમે રહી હતી. એશિયન ચેસ ફેડરેશન અને ચેસડોટકોમે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ચોથી જૂને ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી. ભારતની 19 વર્ષની અર્પિતાએ તેમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી રહી હતી. અર્પિતા ઉપરાંત ઇન્ડિયન જુનિયર (અંડર-19) નેશનલ્સમાં સૃષ્ટિ પાંડે બીજા ક્રમે રહી હતી.