સુરત-

કોરોનાની સારવારમાં પણ લોકોએ સેવાના બદલે લાખોની કમાણી કરી લીધી છે. તેમાં પણ ખાસ કરીને ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનું કાળાબજાર કરવાનું કૌભાંડ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફે ડમી ગ્રાહક બની ઝડપી પાડ્યું હતું. સુરતના ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે વધુ ચારની ધરપકડ કરી છે.

કોરોનાની મહાબિમારી સામે લડવા સરકારે ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનના ઉપયોગને મંજૂરી આપી હતી. જાે કે આ ઇન્જેક્શન મોંઘું હોય અને દરેકને જરૂરિયાત વાળું હોવાથી તેના કાળા બજાર શરૂ થઈ ગયા હતાં. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ અંગે માહિતી મળતા તેમના સ્ટાફે ડમી ગ્રાહક બની આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ મામલે સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે ન્યુ શાંતિ મેડિસીન્સના માલિક મિતુલ મહેન્દ્ર શાહની ધરપકડ કરી હતી.

મિતુલ શાહે પોતાના અમદાવાદ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ કરતાં મિત્ર ઘનશ્યામ વ્યાસ સાથે મળી આ ખેલ કર્યો હતો. મિતુલ અને ઘનશ્યામ ૫ વર્ષ પહેલા મેડિકલમાં લાઇનમાં નોકરી કરતા હતાં. જેથી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. મિતુલ સુરતના અડાજણ અને વેસુમાં હોલ સેલરમાં દવા વેચતાં સાર્થક ફાર્મના માલિક ઉમા સાકેત કેજરીવાલને ઓળખતો હતો. જેથી મિતુલે જ ઉમા કેજરીવાલની ઘનશ્યામ સાથે ઓળખાણ કરાવી હતી.