પંજાબ પોલીસે સોમવારે ઇન્ટરનેશનલ ટેનિસ મેચના ફિક્સિંગના આરોપી રવીન્દ્ર ડાંડીવાલની ધરપકડ કરી હતી. તેની ઉપર એવો પણ આરોપ હતો કે તેણે ચંદીગઢમાં એક નકલી શ્રીલંકા ટી20 મેચનું આયોજન કર્યું હતું. રવીન્દ્રને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ડાંડીવાલે તાજેતરમાં જ 29મી જૂને એક યુવા ટી20 મેચનું આયોજન કર્યું હતું જેને યૂટ્યૂબ પર લાઇવ દેખાડવામાં આવી હતી.

હવે બીસીસીઆઈની (BCCI) એન્ટિ કરપ્શન એકમની ટીમ મોહાલી પહોંચી રહી છે અને ત્યાં તે પોલીસ પાસેથી રવીન્દ્ર ડાંડીવાલ અંગે માહિતી એકત્રિત કરશે. બોર્ડની એસીયુના વડા અજિતસિંઘે આ વાતને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હા, રવીન્દ્ર ડાંડીવાલની ધરપકડ થઈ છે અને અમે અમારી ટીમ ત્યાં મોકલી રહ્યા છીએ. તેની પાસેથી અમે શક્ય તેટલી માહિતી એકઠી કરીશું અને અમારી પાસે જે માહિતી છે તે અમે પોલીસ સાથે શેર કરીશું. 

પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ખેલાડીઓ રાજધાનીથી 15 કિલોમીટર દૂર સવારા ગામ ખાતે એક ક્રિકેટ એકેડમીમાં રમી રહ્યા હતા અને આ મેચ શ્રીલંકાના યુવાન ખેલાડીઓની ટીમ સાથે છે તેમ કહીને તેને લાઇવ દેખાડવામાં આવી રહી હતી. મોહાલીના પોલીસ વડા કુલદીપસિંહ ચહલે જણાવ્યું હતું કે અમે ડાંડીવાલની ધરપકડ કરી છે અને આ મેચમાં તેની ભૂમિકા અંગે તપાસ કરી રહ્યા છીએ. 

આ મેચમાં જે ખેલાડી રમી રહ્યા હતા તે નાના લેવલના ખેલાડી હતા અને તેમને પાંચથી દસ હજાર રૂપિયા આપીને રમાડવામાં આવ્યા હતા. જેમાં કોઈ રણજી ક્રિકેટર હતા કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.