વડોદરા : ટ્રેન અને ખાનગી લકઝરી બસોમાં સહમુસાફરો સાથે વાતચિત કરીને તેઓને વિશ્વાસમાં લીધા બાદ મારી ઘરે પુત્રીનો જન્મ થયો છે તેમ કહી તેની ઉજવણીના બહાને મુસાફરોને ઘેનયુક્ત કોલ્ડડ્રીંક્સ પીવડાવીને બેભાન કર્યા બાદ તેઓના દાગીના અને મોબાઈલ ફોન સહિતની મત્તાની ચોરી કરતા રીઢા ગઠિયાને રેલવે પોલીસની એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગઠિયા પાસેથી ૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ૧૧ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો તેમજ તેને આજે કોર્ટમાં રજુ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

લોકડાઉન ખુલ્યા બાદ વિવિધ એક્સપ્રેસ ટ્રેનોમાં તેમજ ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસોમાં મુસાફરોને બેભાન બનાવીને તેઓની કિંમતી મત્તાની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થતા ગેંગને ઝડપી પાડવા માટે રેલવ પોલીસના એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમોએ આરપીએફ સાથે સંકલન કરી ગેંગને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન મુસાફરોને બેભાન બનાવી ચોરી કરતો રીઢો તસ્કર રાજસ્થાનના પાલીમાં હોવાની માહિતી મળતા એલસીબીની ટીમે પાલી ખાતે દરોડો પાડી ગોવિંદ વિરમરામ સેરવી (ચૈાધરી)ની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.

અગાઉ પણ ગુનાખોરીમાં સંડોવાયેલા ગોવિંદની એલસીબીની ટીમે કડકાઈથી પુછપરછ કરતાં તેણે એક પછી એક એમ ટ્રેન અને લકઝરી બસમાં મુસાફરોને બેભાન બનાવીને ચોરીઓ કરવાના કુલ ૧૧ ગુનાઓની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. તેનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ગઈ કાલે ધરપકડ કરી કડકાઈથી પુછપરછ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે ટુંકા ગાળામાં ચેન્નાઈ-જાેધપુર એક્સપ્રેસ, યશવંતપુર-જોધપુર એક્સપ્રેસ તેમજ મુંબઈની જાખર ટ્રાવેલ્સમાં અને હૈદ્રાબાદની બીઆર ટ્રાવેલ્સમાં જાેધપુર તરફ મુસાફરી દરમિયાન ચોરીઓના ૧૧ ગુનાઓને અંજામ આપ્યો છે.

તેણે આટલા બધા ગુના આસાનીથી કેવી રીતે કર્યા તેનો ફોડ પાડતા કહ્યું હતું કે તે ટ્રેન અને લકઝરી બસમાં મુસાફરી દરમિયાન જેને શિકાર બનાવવાનો હોય તેની સાથે પ્રથમ વાતચિત કરી અને પોતે એલઆઈસીનો કર્મચારી છે તેવી ઓળખ આપી વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ જ્યાં રેલવે સ્ટેશન કે હાઈવે પર હોટલમાં સ્ટોપ આવે ત્યાં ઉતરીને તે કોલ્ડડ્રીંક્સની બોટલ લાવી તેમાં પ્રોઝોલેમ નામની ઉંઘવાની ૧૦ ગોળીઓની સ્ટ્રીપ ભેળવી દેતો હતો અને આ ઘેનયુક્ત કોલ્ડડ્રીંક્સ તે શિકારને પીવા માટે આપતો હતો. કોઈને શંકા ના જાય તે માટે તે મારી ઘરે પુત્રીનો જન્મ થયો છે તેમ કહી ખુશખુશાલ હોવાનો ડોળ કરી પુત્રીના જન્મની ખુશીમાં બધાને કોલ્ડ ડ્રીંક્સ પીવડાવે છે તેમ કહીને ઘેનયુક્ત કોલ્ડડ્રીંક્સ પીવડાવતો હતો અને મુસાફર બેભાન થાય એટલે તે તેઓએ પહેરેલા દાગીના તેમજ તેઓના ખિસ્સામાંથી પાકિટ, રોકડ અને મોબાઈલ ફોન કાઢીને ઉતરી જતો હતો. આ વિગતોના પગલે પોલીસે તેની પાસેથી ચોરી કરેલો ૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આજે આરોપી ગોવિંદ સેરવીને કોર્ટમાં રજુ કરાતા તેને બે દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.

મારવાડી ભાષા બોલી રાજસ્થાની લોકોને શિકાર બનાવતો હતો

ગોવિંત સેરવી રાજસ્થાનના પાલીનો વતની હોઈ તે રાજસ્થાન તરફ જઈ રહેલા મુસાફરોને જ ટાર્ગેટ બનાવતો હતો. તે ટ્રેન અને બસમાં બોગસ નામે ટિકીટ બુક કરાવતો હતો અને ત્યારબાદ મારવાડી ભાષામાં વાતચિત કરીને મુસાફરોને વિશ્વાસમાં લેતો હતો, એટલુ જ નહી તક મળતા તે એકલ-દોકલ મુસાફર નહી પરંતું સમગ્ર પરિવારને ઘેનયુક્ત પ્રવાહી પીવડાવીને બેભાન કરી દેતો હતો. ઉલ્લેખનીય છે કે ગોવિંદ આ અગાઉ રાજસ્થાનમાં પાલી જિલ્લાના જેતારન પોલીસ પોલીસ અને જાેધપુર જિલ્લાના બિલારા પોલીસ મથકમાં પણ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.

દાગીના,મોબાઈલ, ડેબીટકાર્ડ અને કપડા કબજે

એલસીબીની ટીમે ગોવિંદને સાથે રાખી તેના ઘરેથી મુસાફરો પાસેથી ચોરી કરેલા ગ્રહોના નંગની વીટીંઓ સહિત સોનાના ૧૫ અને ચાંદીના ૧૦ દાગીના કબજે કર્યા હતા. આ ઉપરાંત તેની પાસેથઈ ચોરી કરેલા અલગ અલગ કંપનીના ૫ મોબાઈલ ફોન, ૬ ડેબીટ કાર્ડ , રોકડા ૬૧૦૦, વિવિધ બેંકના ચેક, ખાતામાં રોકડા ૭૪ હજાર જમા કરાવ્યાની સ્લીપ અને સાડીઓ, કપડા અને બેગ સહિત કુલ રૂા.૭,૩૦,૩૩૭નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ગોવિંદે કરેલા ગુનાની જાેધપુર અને મુંબઈ સહિત અન્ય સ્થળે ફરિયાદો નોંધાઈ હોઈ પોલીસે સંબંધિત પોલીસને પણ ગોવિંદ ઝડપાયો હોવાની જાણ કરી છે.