અમદાવાદ-

ફ્રાન્સથી વધુ 3 રાફેલ લડાકુ વિમાનના ભારતમાં વધામણા થયા છે. જી હા આ રાફેલ આપના ગુજરાતના જામનગરમાં ઉતર્યા છે. રસ્તામાં ક્યાંય પણ સ્ટોપ લીધા વગર આ ત્રણેય લડાકુ વિમાનો 7000 કિલોમીટરની યાત્રા ખેડીને રાત્રે 9 વાગ્યે ગુજરાતના જામનગરમાં પહોંચ્યા હતા. રસ્તામાં યુએઈના હવાઈ દળ દ્વારા આકાશમાં જ આ લડાકુ વિમાનોમાં ફયુલ ભર્યું હતું. આ સાથે ભારતીય વાયુસેનાને રાફેલ વિમાનની ત્રીજી બેચ મળી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદે સપ્ટેમ્બર 2016 માં 36 રાફેલ લડાકુ વિમાનો માટેની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેની કિંમત 59 હજાર કરોડ હતી. ભારતમાં રાફેલ વિમાનની સંખ્યા હવે 11 થઇ ગઈ છે. નવેમ્બર 2020 માં બે વિમાન ભારત આવ્યા હતા. આ બંને રાફેલ પણ જામનગરમાં આવ્યા હતી. બાદમાં તેને અંબાલા પહોંચાડવામાં આવ્યા હતા. અગાઉ 5 જુલાઇના રોજ 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ અંબાલા એરબેઝ પર ઉતરી. ભારતે બે દાયકાથી વધુ સમય પછી વિદેશી લડાકુ વિમાન ખરીદ્યા છે. જૂન 1997 માં રશિયાના સુખોઈ 30 વિમાનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ફાઇટર એરક્રાફ્ટ જમીન અને દરિયાઈ સિવાય પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ છે. સાથે 10 ટન શસ્ત્રો પણ લઇ જઈ શકે છે. 2021 ના ​​અંત સુધીમાં ભારતને 36 રાફેલ વિમાન મળી જશે.