વડોદરા, તા.૧૬ 

કોરોનાના દર્દીઓ માટેના લાઈફ સેવર ઈન્જેકશનો ટોસિલિઝુમેબ માટેના સરકારના સપ્લાય અને હાલ સ્ટોક અંગે સરકારી ગોત્રી અને સયાજી હોસ્પિટલના સત્તાધીશો ભેદી મૌન સેવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે ભારે માગ વધી રહી છે જેના પરિણામે આ મોંઘા અને જીવનરક્ષક ટોસિલિઝુમેબ ઈન્જેકશનોના તેની મૂળ કિંમત કરતાં બમણા ભાવે દર્દીઓને આપવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ ઊઠવા પામી છે. આ જીવનરક્ષક ઈન્જેકશનોનો સુરતમાં થઈ રહેલા વધુ ઉપયોગને કારણે કલેકટરે ઈન્જેકશનોના ઉપયોગી મુદ્દે ખાસ કમિટી બનાવી છે, તો વડોદરામાં આ પ્રકારની કેમ નહીં? એ જાગૃત અને શિક્ષિતવર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આ જીવનરક્ષક ઈન્જેકશનો સરકાર તરફથી વધતા ઓછા પ્રમાણમાં સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અલગ અલગ મિલીગ્રામના દર્દીઓની સારાવર માટે દોઢસો જેટલા ટોસિલિઝુમેબ ઈન્જેકશનો સપ્લાય કરવામાં આવ્યા છે પરંતુ આ ઈન્જેકશનોનો ખાનગી હોસ્પિટલમાં સપ્લાય ન હોવાથી તેની ખાનગી હોસ્પિટલોમાં માગ વધુ હોવાનું જાણવા મળ્યું છે. ટોસિલિઝુમેબ ઈન્જેકશનો વિદેશી હોવાથી તેનો સપ્લાય ખૂબ જ સીમિત છે. જેથી આ લાઈફ સેવર ઈન્જેકશનોની કોરોનાના દર્દીઓ માટે અત્યંત આવશ્યક હોવાથી તેની મૂળ કિંમત રૂા.૪૦,૫૦૦ કરતાં બમણા ભાવે વેચાણ થતું હોવાની ગંભીર ફરિયાદો ઊઠવા પામી હતી. જાે કે, આ મામલે ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરના નોડલ અધિકારી તબીબ ડો. શીતલ મિસ્ત્રીએ વડોદરા ફાર્મા. એસોસિયેશનના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે આ ઈન્જેકશનો મળી રહે તે માટે રૂા.૩૫ હજાર કિંમતે વેચાણ કરવાનો નિર્ણય નક્કી કરીને કેમિસ્ટોને રાહતદારે ઈન્જેકશનો વેચવા કરવા જણાવેલ છે. હાલ આ ઈન્જેકશનોનો જથ્થો સીમિત હોવાથી ખાનગી હોસ્પિટલના તબીબો કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

ટોસિલિઝુમેબ ઈન્જેકશનો સામે સ્વદેશી વિકલ્પ તૈયાર : ઈટોલીઝુમેબ ઈન્જેકશનો શહેરમાં ઉપલબ્ધ થશે

વડોદરા. કોરોના દર્દીઓની સારવાર માટે ચોક્કસ પરિણામ આપતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનો બાયોસિમિબર વિકલ્પ ઈટોલીઝુમેબ તૈયાર કરાયો છે, જે ટૂંક સમયમાં વડોદરામાં ઉપલબ્ધ કરાશે તેમ વડોદરા ફાર્મા. એસોસિયેશનના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારતીય કંપની બાયોકોન દ્વારા ઈટોલીઝુમેબ ઈન્જેકશનો બનાવવામાં આવ્યા છે અને તેને સરકાર દ્વારા મંજૂરી પણ અપાઈ છે. આ ઈટોલીઝુમેબ ઈન્જેકશનો ટૂંક સમયમાં શહેરમાં ઉપલબ્ધ થશે જેને કારણે ટોસિલિઝુમેબ ઈન્જેકશનોની માગમાં અંશતઃ રાહત જાેવા મળશે. ઈટોલીઝુમેબના કોરોનાના દર્દીઓ માટે ત્રણ ઈન્જેકશનોનો ડોઝ નક્કી કરાયો છે એક ઈન્જેકશનનો ભાવ રૂા.૮૦૦૦ હશે.