દિલ્હી-

સાયબર ક્રાઈમ કરનારા લોકો ગમે તે વ્યક્તિને શિકાર બનાવી શકે છે, અને તેઓ એટલા ચાલાક હોય છે કે, ગણતરીના કલાકોમાં સામેની વ્યક્તિને જાળમાં ફસાવી શકે છે. આવા જ એક ભેજાબાજ સાયબર ક્રિમિનલે કથિતપણે 34,000 રૂપિયાની ઠગાઈ કરી  છે અને તેનો શિકાર બની છે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનાં પુત્રી હર્ષિતા. હર્ષિતાએ એક ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર સોફા વેચવા માટે મૂક્યો હતો અને ઠગાઈ કરનાર શખસે તેમનો ખરીદદાર બનીને સંપર્ક સાધ્યો હતો એમ પોલીસ દ્વારા માહિતી અપાઈ હતી.

એક અખબારી અહેવાલ પ્રમાણે આ ઘટનાની ફરિયાદ દિલ્હીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનને મળતાં રવિવારે પોલીસે આઈપીસીની ધારાઓ  હેઠળ ગુનો દાખલ કર્યો છે.ઓનલાઈન માહિતી મળતાં એક શખસે હર્ષિતાનો સંપર્ક સાધ્યો હતો. સોફા ખરીદવામાં રસ પ્રગટ કરનાર  વ્યક્તિએ હર્ષિતાએ શૅર કરેલી એકાઉન્ટ ડિટેઇલ્સ યોગ્ય છે કે કેમ તે ચકાસવા માટે પહેલાં તેમના ખાતામાં થોડી રકમ ટ્રાન્સફર કરી હતી.

રકમ ટ્રાન્સફર કરવા માટે ત્યારબાદ આ વ્યક્તિએ હર્ષિતાને એક ક્યુઆર કોડ મોકલ્યો હતો અને તેને તે થકી પેમેન્ટ કરવાનું હતું.  પરંતુ જ્યારે હર્ષિતાએ આ શખસ દ્વારા સૂચવાયેલ પગલાં લીધાં તો તેમના ખાતામાં પૈસા જમા થવાના સ્થાને તેમના ખાતામાંથી બધું મળીને એકંદરે 34000 રૂપિયા કપાઈ ગયા હતા અને ત્યારબાદ આ બાબતે પોલીસ ફરીયાદ નોંધાવાઈ હતી.