વડોદરા, તા. ૧૨

નવલી નવરાત્રીના છઠ્ઠા દિવસે શહેરમાં સમી સાંજે વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર તેમજ કોમન પ્લોટોમાં પાણી ભરાઈ જવાથી સોસાયટીના ગરબા આયોજકો દોડતા થયા હતા. આજે છઠ્ઠો નવરાત્રો હોવાથી શહેરમાં વસતા વિવિધ બંગાળી પરીવારો દ્વારા છઠ્ઠની દુર્ગા પુજા કરવામાં આવી હતી. નવલી નવરાત્રીને પુર્ણ થવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સમી સાંજે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવતા ગરબા આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે , ત્યારે આજે પણ પુર્વ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસવાથી હોડીંગ પડી જવાના બનાવોની સાથે વિવિધ માર્ગો પર પણ પાણી ભરાઈ જવાથી શેરી ગરબાનો કાર્યક્રમ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમુક સોસાયટીઓ , શેરીઓ ,પોળો અને મહોલ્લાઓમાં પેવર બ્લોક નાખેલા હોવાથી ખૈલયાઓ તેમજ ગરબા આયોજકોને વધારે મુશ્કેલીનો સાંનો કરવો પડ્યો નથી. અન્ય સ્થળે કોમન પ્લોટોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પાણી ભરાઈ જતા કિચડ થયુ હતું , જેથી આયોજકો દ્વારા પાણી ઉલેચીને કપચી અને માટી નાખીને ગરબાનું આયોજન કર્યું હતું. નવરાત્રીના છઠ્ઠા દિવસે છઠ્ઠ પુજા નિમિત્તે દર વર્ષે બંગાળી પરીવારો દ્વારા ધામધુમથી બંગાળી પરિવારો દ્વારા દુર્ગા પુજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવાની ફરજ પડવાથી વિવિધ વિસ્તારોમાં પંડાલ બનાવીને સાદગીપુર્ણ રીતે દુર્ગાપુજા કરવામાં આવી હતી.