ગાંધીનગર-

ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે એક તરફ જ્યાં ઝડપથી આ સંક્રમણ રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ જિલ્લા કમાન્ડન્ટ દ્વારા જુના સચિવાલય બ્લોક નંબર-૬ ખાતે હોમગાર્ડ જવાનોની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જુના સચિવાલય ખાતે આજે સવારે હોમગાર્ડ જવાનોની પરેડ બોલવામાં આવી જેમાં મોટી સંખ્યામાં જવાનો ભેગા થયા ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જાેવા મળ્યો હતો. ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કમાન્ડન્ટ કચેરીએ પરેડ માટે ૩૦૦ હોમગાર્ડ જવાનો ભેગા થઈ ગયા હતા. ૫૦ની મંજૂરી હોવા છતા ૩૦૦ હોમગાર્ડ જવાનોને બોલાવવામાં આવ્યા હતા. સરકારની ગાઈડલાઈનનું અધિકારીઓ જ પાલન કરતા નથી.

તો પ્રજા તેમને જાેઈને શું કરવાની? ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના પત્ર પછી પણ નિયમભંગ જાેવા મળ્યો હતો. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સોમવારે ૧૪૪ નવા કેસ નોંધાયા હતા તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં સૌથી વધુ ૪૦ નવા કેસ નોંધાયા હતા. સોમવારે શહેર અને જિલ્લાના મળીને કુલ ૧૮૪ નવા કેસ નોંધાયા છે જ્યારે શહેરમાં કોરોનાની સારવારમાં ચાર દર્દીનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કુલ મૃત્યુઆંક ૧૫૬૯ થઇ ગયો છે

 જ્યારે કુલ કેસની સંખ્યા ૨૫,૩૭૯ થઇ ગઇ છે. સોમવારે એક સાથે ૪૫૪ દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં ૨૦,૫૯૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તા.૧લી જૂનથી ૨૭ જુલાઇ દરમિયાન ૫૭ દિવસના સમયગાળામાં કુલ ૧૩,૨૩૯ નવા કેસ નોંધાઇ ચૂકયા છે જ્યારે ૭૨૭ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે આ પહેલાંના અઢી મહિનામાં ૧૨,૧૪૦ કેસ નોંધાયા હતા જ્યારે ૮૪૨ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આમ લોકડાઉનના સમયગાળા કરતાં વધુ કેસ અનલોકમાં નોંધાઇ ચૂકયા છે જ્યારે મૃત્યુ ઘટ્યા છે.