દિલ્હી-

આવકવેરા વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2019-20 માટે 31 ડિસેમ્બર 2020 સુધીમાં 4.84 કરોડથી વધુ આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. સરકારે વ્યક્તિગત આવકવેરા ભરનારાઓ માટે આઈટીઆર ફાઇલ કરવાની મુદત 10 જાન્યુઆરી અને કંપનીઓ માટે 15 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. આવકવેરા વિભાગે ટિ્‌વટ કર્યું હતું કે "આકારણી વર્ષ 2020-21 માટે 31 ડિસેમ્બર 2020 સુધીમાં 4.84 કરોડથી વધુ આવક વેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે."

વ્યક્તિગત આવકવેરા ભરનારાઓ માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 હતી અને આ સમયમર્યાદામાં 5.61 કરોડથી વધુ આઇટીઆર દાખલ કરવામાં આવ્યા હતા. ડેટાના વિશ્લેષણ બતાવે છે કે નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યક્તિગત આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં ઘટાડો થયો છે, જ્યારે ધંધા અને ટ્રસ્ટના વળતરમાં વધારો થયો છે. 31 ડિસેમ્બર 2020 સુધી કુલ 2.65 કરોડ આઇટીઆર -1 દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે 31 ઓગસ્ટ 2019 સુધી આ આંકડો 3.09 કરોડ હતો.