અમદાવાદ-

શિયાળાની શરૂઆત અને દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ સાચી સાબિત થઇ રહી છે ત્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેને લઇને કેન્દ્રની આરોગ્ય ટીમ સક્રિય થઇ છે. ગુજરાતની સ્થિતિ અંગે નિરિક્ષણ કરશે. કોરોના સંક્રમણને લઇને કેન્દ્ર સરકારે સ્પેશિયલ ટીમો બનાવી છે. અલગ-અલગ રાજ્યો માટે 3 ડોક્ટર્સની ટીમ બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મણિપુરમાં હાઇ લેવલ સેન્ટ્રલ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. જેમાંથી 3 સભ્યોની એક સ્પેશિયલ ટીમ ગુજરાત આવશે.

NCDCના ડાયરેક્ટર ડૉ. એસકે સિંહની ટીમ ગુજરાત આવી રહી છે. આ ટીમો તે જિલ્લામાં પ્રવાસ કરશે જ્યાં કોરોનાના કેસ વધારે આવી રહ્યા છે. ટીમો કન્ટેનમેન્ટ ઝોન, સર્વિલાંસ, ટેસ્ટિંગ, સંક્રમણ અટકાવવા અને નિયંત્રણ ઉપાયોને લઇને રાજ્ય સરકારોના પ્રયાસોને મજબૂત કરશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દિલ્હીમાં કોરોના કેસ અને મોતના આંકડામાં ઝડપની અસર NCR અને હરિયાણા-રાજસ્થાનમાં પણ દેખાઇ રહી છે, જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.