વડોદરા : રાજ્યમાં કોરોના વાયરસ ફરીવાર બેકાબુ થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરત સહિત વડોદરામાં પણ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં સત્તાધિશો દોડતા થયાં છે. આજે કોરોનાના દર્દીઓ વધતાં એક્શનમાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે એક તાકિદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ૪૫૦ નર્સિંગ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ અને મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ હાજર રહ્યા હતા.

વડોદરા મહાનગર પાલિકાના કોન્ફરન્સ હોલમાં એક બેઠક મળી હતી. કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર સતર્ક થયું છે. તે ઉપરાંત દર્દીઓ માટે વધારે બેડની વ્યવસ્થા સાથે નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે યોજવામાં આવેલી ઓન લાઇન બેઠકમાં ઓએસડી ડો.વિનોદ રાવ જાેડાયા હતાં. મ્યુનીસીપલ કમિશ્નર પી. સ્વરૂપ સહિત આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલે કોરોનાની પરિસ્થિતિથી નર્સિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓને વાકેફ કર્યા હતા.

વડોદરા શહેરમાં ૧૨ જેટલી તમામ નર્સિંગ કોલેજાે, પેરા મેડિકલ કોલેજના આચાર્યો અને સંચાલકો બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની સાથે કોરોનાના વધતા દર્દીઓને કારણે ઉદભવેલી પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમને તાકીદ કરવામાં આવી છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે નર્સિંગની તાલીમ લઇ ગયેલ વિદ્યાર્થીઓને કોરોનાની સારવાર માટે ફરજ પર હાજર થવાનું રહેશે. હાલ કોરોનાનાં દર્દીઓની સારવારમાં ૪૭૮ જેટલો નર્સિંગ સ્ટાફ જાેડાયેલો છે. તેવી જ રીતે હજુ બીજા ૪૫૦ જેટલા નર્સિંગ સ્ટાફને તૈયાર રાખવામાં આવ્યો છે. જેમ જેમ જરૂર પડે તેમ તેમનો ઉપયોગ કરવામાં આવશે.