ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે બે દિવસના ટૂંકા સત્રમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ મનાશે. કારણ કે, આજે ગુજરાત વિધાનસભાને પ્રથમ મહિલા અધ્યક્ષ મળ્યાં છે. ભાજપ દ્વારા આજે વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડૉ. નિમા આચાર્યના નામની દરખાસ્ત કરાઈ હતી. આજે બપોરે ૧૨ વાગ્યે વિધાનસભા ગૃહના પ્રારંભ થવાની સાથે ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડૉ. નિમાબેન આચાર્યના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ વધાવી લીધી હતી અને સર્વાનુમતે દરખાસ્તને ટેકો આપીને મહિલા સશક્તીકરણને વધુ પ્રાધાન્ય આપવા માટે એક હકારાત્મક અભિગમની અનોખી પહેલ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જેમના નામ પરથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામકરણ થયેલું છે તેવા અને વર્ષ ૧૯૨૫માં સીએલએના પ્રથમ સભ્ય એવા વિઠ્ઠલભાઇ પટેલની પણ આજે જન્મતિથિ છે, તેવા શુભ દિવસે સભાગૃહે એક નવી ઉજ્જવળ પરંપરાનો પ્રારંભ કરીને ડૉ. નિમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ડૉ.નિમાબેન આચાર્યને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સભાગૃહ વતી અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. વિધાનસભા ગૃહમાં મંત્રીમંડળના સભ્યો, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ ધારાસભ્યોએ ડૉ.નિમાબેન આચાર્યને ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.