દિલ્હી-

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 5,53,159 થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા વધીને 12,189 થઈ ગઈ છે. એક અહેવાલ પ્રમાણે મુંબઈમાં કોરોનાના 86,000 કરતા પણ વધારે એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ગાઢ બનતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોનમાં વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાનને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વચ્ચે ઓક્સિજનની તંગી અંગે જાણકારી આપી હતી. તેમણે રાજ્યને 1200થી 1500 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે અને ઈમરજન્સી હોવાથી એરલિફ્ટ કરીને ઓક્સિજન પૂરો પાડવામાં આવે તેવી માંગણી કરી હતી.

કોરોનાના સંક્રમણને પગલે દેશની સ્થિતિ વધુ વણસી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63,729 નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં 398 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે મુંબઈમાં 8,217 નવા કેસ સાથે 49 લોકોના મોત થયા હતા.

ઉદ્ધવ ઠાકરેએ એક સમીક્ષા બેઠક પણ યોજી હતી જેમાં લોકોને શક્ય તેટલી ઝડપથી કોરોના રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં બીએમસીના કમિશ્નર આઈએસ ચહલ પણ સામેલ થયા હતા. ચહલે જણાવ્યું કે, મુંબઈની 153 કોવિડ હોસ્પિટલોમાં 20,400 બેડ છે અને આગામી સપ્તાહ સુધીમાં તેઓ બેડની સંખ્યા વધારીને 22,000 કરી દેશે. તેમના કહેવા પ્રમાણે રાજ્યમાં દૈનિક 8થી 10 હજાર કેસ સામે આવી રહ્યા છે અને આશરે 10 હજાર જેટલા દર્દીઓ રોજ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. હાલ 3,900 બેડ ખાલી છે.