રાજકોટ-

રાજકોટમાં હાલ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં આજે એક જ દિવસમાં કોરોનાનાં 71 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે જિલ્લામાં કોરોનાનાં 12 પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોનાનો કહેર વધતાં રાજકોટ ચા-હોટેલ એસોસિયેશને મોટો નિર્ણય કર્યો છે. રાજકોટમાં આગામી 3 દિવસ સુધી ચાની હોટેલો બંધ રાખવામાં આવી છે.

રાજકોટમાં કોરોનાનો કહેર વધતાં ચા-હોટેલ એસોસિયેશન દ્વારા આગામી 3 દિવસ માટે ચાની હોટેલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે શનિ-રવિ અને સોમવાર સુધી રાજકોટમાં ચાની એકપણ હોટેલો ખુલ્લી રહેશે નહીં. રાજકોટ શહેરમાં ચાની હોટેલો પર ભીડ એકત્ર થતી હોવાથી લોકોની ભારે ભીડ જમા થાય છે. અને જેને કારણે કોર્પોરેશન દ્વારા હોટેલોને સીલ મારવામાં આવે છે. 

કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં 17 દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.

તો હવે ચા હોટલ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે શનિ, રવિ અને સોમ વાર શહેરમાં ચા ની હોટલો અને લારીઓ બંધ રાખવામાં આવશે. મનપા દ્વારા જે રીતે ચા ની હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે તો સાથે જ અનેક હોટલો બંધ કરવામાં આવી છે ત્યારે ચા ના ધંધાર્થીઓએ ત્રણ દિવસ ચા ના થડા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.