જયપુર-

રાજસ્થાન હાઇકોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ ની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. આસારામે ખરાબ સ્વાસ્થ્યને લીધે સારવાર માટે વચગાળાના જામીનની માંગ કરી હતી.

જોધપુર એમ્સમાં કોરોનાની સારવાર માટે દાખલ આસારામની અરજી રાજસ્થાન હાઇકોર્ટે ફગાવી દીધી છે. આસારામે આયુર્વેદ પદ્ધતિથી બે મહિના સુધી સારવાર માટે જામીન માટે અરજી કરી હતી. આસારામની એમ્સમાં સારવાર ચાલી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ છે. આસારામની જામીન અરજી ફગાવવામાં આવતા તેમણે ફરી જેલમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે એમ્સને રિપોર્ટ સાથે અન્ય તમામ તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યુ હતું. તે બાદ જોધપુર એમ્સમાં દાખલ આસારામની એન્ડોસ્કોપી પણ થઇ હતી, તેમણે અલ્સરની તકલીફ હતી. હાઇકોર્ટના જજ સંદીપ મહેતા અને ન્યાયાધીશ દેવેન્દ્ર કચ્છવાહની ખંડપીઠે એલોપેથી પદ્ધતિથી અલ્સરની સારવાર કરાવવાનું કહેતા જામીન અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે એમ પણ કહ્યુ કે જો આસારામના સ્વાસ્થમાં સુધારો થયો તો તેમણે ફરી જેલમાં મોકલી દેવામાં આવશે. આસારામ વર્ષ 2013થી જ સતત જોધપુરની સેન્ટ્રલ જેલમાં છે અને કેટલીક વખત તેમણે બીમારીની સારવારના બહાને વચગાળાની જામીન અરજી કરી હતી, પરંતુ આજ સુધી ટ્રાયલ કોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ દરેક વખત આસારામનો પ્રયાસ ફેલ સાબિત થયો છે