વડોદરા : ન્યુ સમા રોડ પર વિશ્વામિત્રી નદીના કાંઠે બાલાજી અગોરા સિટી સેન્ટરના નામે બાંધકામનો પ્રોજેક્ટ શરૂ કરીને નિર્દોષ શહેરીજનો માટે પુર જેવી સમસ્યાઓ ઉભી કરવાના વિવાદમાં સપડાયેલા બિલ્ડર આશીષ શાહે દિલ્લીની એક કંપની સાથે બાલાજી અઘોરા સિટી સેન્ટરમાં બાંધકામનો કરાર કર્યા બાદ કરાર મુજબ નાણાં નહી ચુકવીને ૪૨ કરોડનું ફુલેકુ ફેરવીને ઠગાઈ કરી હોવાની રાવ સાથે દિલ્લીની કંપનીએ આ ઠગાઈ પ્રકરણમાં લવાદ નિમવા માટે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરતા આશિષ શાહ વધુ એક વાર વિવાદમાં સપડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુસમારોડ પર ભેજાબાજ બિલ્ડર આશિષ શાહે બાલાજી અઘોરા સિટી સેન્ટર નામે આશરે બે હજાર કરોડનો રહેણાંક મકાનો અને મોલ સહિતનો કોમર્શિયલ પ્રોજેક્ટ જ્યારથી શરૂ કર્યો છે ત્યારથી તે સતત વિવાદોમાં સપડાઈ રહ્યો છે અને આ પ્રોજેક્ટનો શહેરના હિતેચ્છુઓ દ્વારા સતત વિરોધ પણ થઈ રહ્યો છે. જાેકે ઉચ્ચ રાજકિય અગ્રણીઓ પણ આ પ્રોજેક્ટમાં ભાગીદાર હોવાની ચર્ચા છે અને તેઓના પીઠબળના કારણે આશિષ શાહ સામે હજુ સુધી તંત્ર દ્વારા મજબુત ગાળિયો કસાયો નથી પરંતું હવે તેની સામે ખુદ તેના જ ધંધાકિય ભાગીદારો ખુલ્લેઆમ સામે પડી રહ્યા છે. આવા જ એક ધંધાકિય ભાગીદાર પૈકી દિલ્લીની એક જાણીતી કંપનીએ આશિષ શાહે ૪૨ કરોડનું ફુલેકુ ફેરવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી છે.

દિલ્લીની એસન્ટ કન્સ્ટ્રકશન પ્રા.લી. કંપની સાથે આશિષ શાહે ગત ૨૦૧૭માં તેના બાલાજી અઘોરા સિટી સેન્ટર પ્રોજેક્ટમાં બાંધકામ અને પ્લાસ્ટરના કામકાજનો સમજુતિ કરાર કર્યો હતો. આ કંપની પાસે આશિષ શાહે આશરે ૬૦ કરોડનું કામ કરાવ્યા બાદ કામકાજ પેટે માત્ર ૧૮ કરોડ ચુકવ્યા બાદ બાકીના ૪૨ કરોડનું ફુલેકુ ફેરવ્યુ છે. વારંવાર નાણાંની માગણી કરવા છતાં આશિષ શાહે એસન્ટ કન્સ્ટ્રકશન કંપનીના સંચાલકોને નાણાં આપવા માટે વાયદા કર્યા બાદ તેની એલઆઈસીમાંથી મોટી રકમની લોન આવશે તેમાંથી નાણાં ચુકવશે તેવી બાંહેધરી પણ આપી હતી. જાેકે આ બાંહેધરી બાદ પણ આશિષ શાહે બાકીના ૪૨ કરોડ નહી ચુકવતા એસન્ટ કંપની દ્વારા તાજેતરમાં હાઈકોર્ટમાં ઉક્ત ઠગાઈના મુદ્દે પિટીશન દાખલ કરી છે અને આ સમગ્ર કેસમાં આર્બીટ્રેશન (લવાદ)ની નિમણુંક કરવાની અરજ કરી છે.

આ પિટીશન અંગે જાણકારોનું માનવું છે કે હાઈકોર્ટ દ્વારા જાે લવાદની નિમણુંક થશે તો આશિષ શાહને કોઈ પણ સંજાેગોમાં એસન્ટ કંપનીને કામકાજના બાકીના ૪૨ કરોડ ચુકવવા જ પડશે. જાેકે વડોદરા અને અમદાવાદના બિલ્ડર લોબીમાં એક એકી પણ વાત વહેતી થઈ છે કે આશિષ શાહે તેની ક્ષમતા નહી હોવા છતાં મહિલા સહિતના કેટલાક રાજકારણીઓ અને સરકારી ઉચ્ચાધિકારીઓને જંગી નફાની લાલચ આપીને તેઓની પાસેથી રોકાણ કરાવીને આશરે બે હજાર કરોડનો મોટો બાલાજી અઘોરા સિટી સેન્ટર પ્રોજેક્ટ ચાલું તો કરી દીધો છે પરંતું પ્રોજેક્ટ સમયસર પુરો નહી થતાં હવે આશિષ શાહને હવે ભારે નાણાંકિય ખેંચ ઉભી થઈ છે. તેણે એલઆઈસીમાંથી પણ સાડા ચારસો કરોડથી વધુની લોન મેળવી હોવાનું અને આ લોનના આધારે લેણદારોને નાણાં ચુકવવાની વાયદો કર્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાેકે તેમ છતાં તેણે અમદાવાદ-વડોદરાના કોન્ટ્રાક્ટરોને નાણાં નહી ચુકવી ઠગાઈ કરતા તેનો ઉક્ત પ્રોજેક્ટ પુરો થશે કે કેમ અને લેણદારોને તેઓના કામકાજના તેમજ રોકાણકારોને નફાના નાણાં મળશે કે કેમ તેની પર પણ શંકા સેવાઈ રહી છે.