કોરોના કાળની વચ્ચે પણ ગુજરાતીઓ વિદેશોમાં પોતાની આવડતના કારણે પોતાના દેશનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. હાલ દાહોદની આશ્કા દેસાઈને અમેરિકામાં સર આર્થર એશ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે, જે ગુજરાત માટે એક ગૌરવની વાત છે. દાહોદની આશ્કા દેસાઈ હાલ દુબઈમાં રહે છે. મૂળ દાહોદના વતની અમીષીબેન અને મિતેશભાઈ બાબુલાલ દેસાઈની દીકરી આશ્કા દેસાઈએ અમેરિકામાં પોતાનો ડંકો વગાડ્‌યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં તમામ યુનિવર્સિટીઓમાંથી અલગ અલગ રમતોને પ્રોત્સાહિત મળી રહે તેના માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે, ત્યારે તમામ યુનિવર્સિટીમાંથી અલગ અલગ રમત માટેની ટીમમાંથી નામાંકિત થતા જે તે વિદ્યાર્થી ખેલાડીઓ પૈકી માત્ર ૪ વિદ્યાર્થીઓને જ આ ગૌરવવંતા એવોર્ડથી સમ્માનિક કરાય છે. ત્યારે સતત ચાર વર્ષ સુધી યુનિવર્સિટી ઓફ ડેલાવેરની ગોલ્ફ ટીમનું પ્રતિનિધિત્વ કરતી આશ્કા દેસાઈને આ એવોર્ડ તેની ગોલ્ફ રમતની ઉપલબ્ધિઓ ઉપરાંત અતિ ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન માટે આપવામાં આવ્યું છે.