ગાંધીનગર, રાજ્યના બહુચર્ચિત એવા હેડકલાર્ક પેપર લીક પ્રકરણમાં ભારે વિવાદ થયા બાદ આજે છેવટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાની હકાલપટ્ટી કરવામાં આવી છે. અસિત વોરા તો ડૂબ્યા સાથે અન્ય પાંચ ચેરમેન અને એક વાઈસ ચેરમેનને પણ પોતાના પદ ગુમાવવાના વારા આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક વર્ગ-૩ની ભરતીની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ પેપર લીક પ્રકરણને લઈને સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ પ્રકરણમાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડવાની સાથે ભારે ઉહાપોહ થતાં તપાસ હાથ ધરાઈ હતી. જાે કે તેમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સુધી રેલો પહોંચ્યો હોવાની પણ ચર્ચા ચાલી હતી. જેના કારણે ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગણી ઉઠવા પામી હતી. પરંતુ તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અસિત વોરાની બંધ બારણે બેઠક થઇ હતી. જેમાં યેન કેન પ્રકારે અસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ચર્ચા કરીને પોતાનું ચેરમેન પદ બચાવી લીધું હતું. પરંતુ આજે પેપર લીક મામલામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય પાંચ ચેરમેન અને એક વાઈસ ચેરમેનના પણ રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(ય્જીજીજીમ્)ના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. જાે કે સરકાર દ્વારા આ પેપર લીક કાંડની ઘટનાના બે મહિના પછી આજે અસિત વોરાની ચેરમેન પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જેના કારણે અસિત વોરાએ પોતાનું રાજીનામું આપવાની ફરજ પડી હતી. રાજ્ય સરકાર દ્વારા અસિત વોરા ઉપરાંત અન્ય પાંચ ચેરમેન અને એક વાઈસ ચેરમેનના પણ રાજીનામાં લઇ લીધા છે. જેમાં આઈ.કે જાડેજા, બળવંત સિંહ રાજપૂત, મૂળુ બેરા, હંસરાજ ગજેરા, મધુ શ્રીવાસ્તવના પણ બોર્ડ-નિગમના ચેરમેન પદેથી રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. જયારે ગુજરાત બિન અનામત વર્ગના નિગમના વાઈસ ચેરમેન રશ્મિકાંત પંડ્યાનું પણ રાજીનામું લઇ લેવામાં આવ્યું છે.

કોના કોના રાજીનામાં લેવાયા

અસિત વોરા-ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

આઈ. કે. જાડેજા- સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિ

બળવંતસિંહ રાજપૂત- જીઆઇડીસી

મૂળુ બેરા - ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ

હંસરાજ ગજેરા - ગુજરાત બિન અનામત આયોગ

મધુ શ્રીવાસ્તવ - ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ

રશ્મિકાંત પંડ્યા - ગુજરાત બિન અનામત વર્ગ નિગમ