અમદાવાદ-

શહેરમાં રહેતી એક યુવતી થોડા સમય પહેલા એક યુવક સાથે સગાઈ કરવાની હતી. આ યુવક તેની સાથે ખૂબ ઝઘડા કરતા તેણીએ સગાઈ કરી ન હતી. બાદમાં આ યુવકે તેનો અને ફરિયાદી યુવતીનો ફોટોગ્રાફ્ટ પ્રોફાઈલ ફોટો તરીકે મૂકી આરવીઈઈઆર૬૭, આરયુઆરયુડીડીડીડી અને ગર્લ્સસ_એટીટ્યુડ નામના ત્રણ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા અને યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. યુવતીને કોઈ ઇરાદાપૂર્વક હેરાન કરી રહ્યું હોવાનું લાગતા સાઇબર ક્રાઇમનો સંપર્ક સાધતા પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોઈ નહીં પરંતુ યુવતી સાથે જે યુવકની સગાઈ ન થઈ હતી તે જ નીકળ્યો હતો.

૨૮ વર્ષીય યુવતી મૂળ નાંદેજ ખાતે તેના માતાપિતા સાથે રહે છે. આ યુવતી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. ગત ઓકટોબર માસમાં યુવતી તેના મોટા બાપુજીના ઘરે મણીનગર રોકાવા માટે આવી હતી. આ દરમિયાન તેણીને ઇન્સ્ટાગ્રામ પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી તેના પ્રોફાઇલ પિક્ચર તરીકે યુવતીનો પોતાનો અને એક યુવકનો ફોટોગ્રાફ્સ હતો. આ યુવક બીજું કોઈ નહીં પરંતુ તેણીની જે યુવક સાથે સગાઈ થવાની હતી તે હતો. જાેકે, સતત ઝઘડાને કારણે યુવતીએ સગાઈ કરી ન હતી. જે બાદમાં યુવતીને તેને બ્લોક કરી દીધો હતો. બાદમાં ફરી આરયુઆરયુડીડીડીડી અને ગર્લ્સસ_એટીટ્યુડ નામના આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. આ આઈડી પણ યુવતીએ બ્લોક કરી દીધા હતા. જે બાદમાં યુવતીએ આ મામલે સાઇબર સેલનો સંપર્ક કર્યો હતો. સાઇબર ક્રાઇમે તપાસ કરી આ ગુનો આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ યુવતીએ જે યુવક સાથે સગાઈ નહોતી કરી તે જ હોવાનું માનીને તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.