વડોદરા : શહેર પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલ અસલમ બોડિયાને ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મીઢબે ૧૦૦ કિ.મી. સુધી પીછો કરી ઝડપી પાડયો હતો. જુદા જુદા ત્રણ ગુનામાં વોન્ટેડ અને અગાઉ ૭૦ જેટલા ગુનાઓ આચરી ચૂકેલા તેમજ ૯ વાર પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલા બોડિયો બહાર આવતાં જ પુનઃ ગુનાઓ આચરતો હતો. ખંડણી, છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ અને ૬૦ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત અસલમ બોડિયાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. આજે પણ પોલીસની ધરપકડથી બચવા માટે અસલમ બોડિયાએ ૧૦૦ કિ.મી. સુધી કાર ચલાવીને પોલીસને દોડાવી હતી, પરંતુ પોલીસે ફિલ્મીઢબે પીછો કરી દબોચી લીધો હતો. 

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, ખંડણી, છેતરપિંડી સહિત ત્રણ જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયાં શેખ (રહે. નવાપુરા મહેબૂબપુરા, વડોદરા) ગોલ્ડન ચોકડી તરફ આવવાનો છે એવી માહિતી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમના લક્ષ્મીકાંત, હર્ષદકુમાર, જૈનુલ આબેદીન સહિતનાએ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગોલ્ડન ચોકડી પાસે વોચમાં હતી તે દરમિયાન કારમાં આવી રહેલો અસલમ બોડિયો પોલીસને જાેતાં જ હાલોલ તરફ કાર લઈને ભાગી છૂટયો હતો. પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. અસલમ બોડિયો જરોદ પાસેથી જરોદ-સાવલી રોડ તરફ નાસી છૂટયો હતો. પરંતુ સમલાયા પાસે રેલવે ફાટક બંધ હોવાથી તે ફસાઈ ગયો હતો અને પરત જરોદ તરફ આવી ગયો હતો, અને ત્યાંથી ઉમેટા તરફ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જરોદ પોલીસની નાકાબંધી હોવાથી ડિવાઈડર ઉપરથી પોતાની કાર કુદાવી પરત વડોદરા તરફ ભાગી છૂટયો હતો અને ગોલ્ડન ચોકડી તરફ આવી રહ્યો હતો. અસલમે ગોલ્ડન ચોકડી પાસે વોચમાં ઊભેલી પોલીસને જાેતાં જ તે કારમાંથી ઉતરી ભાગી છૂટવાનો પ્રયાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો. અસલમ બોડિયચા સામે શહેરના વિવિધ પોલીસ મથકોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી, છેતરપિંડી, ધાકધમકી સહિતના ૬૦ જેટલા ગુનાઓ નોંધાયા છે. છેલ્લા ત્રણ ગુનામાં તે વોન્ટેડ હતો અને પોલીસની ધરપકડથી બચવા માટે ભાગી રહ્યો હતો. પરંતુ પોલીસને આજે પાકી બાતમી મળતાં તેણે ગોલ્ડન ચોકડી પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તે જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, ભૂજ જેલમાં ૯ વખત પાસા હેઠળ જઈ આવ્યો છે.