વડોદરા : અસલમ બોડિયો હાજર થયો કે ઝડપી લેવાયોના વિવાદ વચ્ચે ક્રાઇમ બ્રાંચે આજે એને અદાલત સમક્ષ રજૂ કરતા ગુજસીટોકના સ્પેશિયલ પી.પી. રઘુવીર પંડ્યાની દલીલોના આધારે ૧૫ દિવસના રીમાંડ કોર્ટે મંજુર કર્યા છે. અસલમ બોડિયો ઉર્ફે હૈદરમીયા શેખ અને પાછળથી ઝડપાયેલા સોએબ અલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદને પણ રજુ કરાયો હતો. ગુજસીકોટના આ મામલામાં ૨૬ આરોપી હતા. તેમાંથી કુલ ૧૭ ઝડપાયા છે. તેમાં માથાભારે મુન્ના તડબુચ સહિત ૯ આરોપી હજી પણ પોલીસ પકડથી દુર છે.

શહેરમાં ગુજસીકોટ હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનામાં ૧૯મી જાન્યુઆરીની રાત્રે બિચ્છુ ગેંગના ૨૬ ટપોરીઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી હતી. જાેકે મુખ્ય સુત્રધાર અસલમ બોડીયો એ સમયે ઝડપાયો ન હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચે પ્રથમ દિવસે જ ૧૨ અને ૨૦મીએ બે અન્ય ટપોરીઓને ઝડપી લીધા હતાં. ત્યારે ૧૨ દિવસ બાદ અસલમ બોડીયો ઝડપાયો કે હાજર થયો હોવાનો વિવાદ ઉભો થયો છે. બીજી તરફ ક્રાઇમ બ્રાંચ દ્વારા વધારે પડતી સ્પષ્ટતા કરવામાં આવતા શંકાઓ વધી છે. બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ અને અન્ય એકને કોર્ટ સમક્ષ રજૂ કરતાં ૧૫ દિવસના રીમાંડ મંજૂર થયા છે.

એન્કાઉન્ટર નહીં કરવા માટે મોટુ સેટીંગ કરાયું

અસલમ બોડિયાનું એન્કાઉન્ટર નહીં કરવા માટે મોટુ સેટીંગ કરાયું હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. રાજકીય નેતાઓ અને અગ્રણીઓના ખાસ કહેવાતા બોડિયો ઝડપાય તો અનેકના ચહેરા ઉપરથી નકાબ ઉતરી જાય એવી પરીસ્થિતી સર્જાતા એન્કાઉન્ટરની વાતો વહેતી થઇ હતી. જેની જાણ બોડિયાને થતા એ ગભરાઇને હાજર થયો છે અને નહીં મારવા માટે મોટુ સેટિંગ કરાયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

પોલીસ ટીમના મોબાઈલ લોકેશન તપાસનો વિષય!

અસલમ બોડિયાને ઝડપી પાડવા રવિવારે રાત્રે ૨ઃ૩૦ વાગે બોડેલી પાસેના છુછાપુરા ગામે ગયેલી ટીમમાં ક્યા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ હતા એ જાહેર કરી એમના એ સમયના મોબાઇલ લોકેશન કાઢવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય એમ છે. અખબારી યાદીમાં ટીમના સભ્યોની યાદી અને ચોક્કસ સમય છુપાવવામાં આવતા ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી સામે શંકાઓ ઉભી થઇ છે. રાજયના પોલીસવડા દ્વારા આ અંગે અહેવાલ મંગાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

તબીબ-લઘુમતી કોમના બિલ્ડરનું નામ ખુલ્યું

બિચ્છું ગેંગનો મુખ્ય સુત્રધાર અસલમ બોડિયો હવે ૧૫ દિવસના રીમાંડ ઉપર છે ત્યારે ક્રાઇમ બ્રાંચ માટે સોનાના ઇંડા આપતી મરઘી સાબીત થઇ શકે છે. પ્રાથમિક પુછપરછમાં જ એક તબીબ અને લઘુમતી કોમના એક મોટા ગજાના બિલ્ડરનું નામ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રીમાંડ દરમિયાન અસલમે કબુલાતમાં નામ આપ્યું છે એમ કહી અનેકને પુછપરછ માટે બોલાવી ગોઠવણો કરાય એવી પરીસ્થિતી ઉભી થઇ છે. રાજુ રોહિડા નામના એક ખુંખાર આરોપી ઝડપાયા પછી તત્કાલિન ડીસીબી પીઆઇ કિરીટ બ્રહ્મભટ્ટે રાજુના કબુલાતનામાના બહાને કરેલી ‘રમત’ જાણીતી છે.

પોલીસે ૧લી ફેબ્રુઆરી સુધી કેમ ના ઝડપ્યો!

ક્રાઇમ બ્રાંચ દ્વારા ગઇકાલે જાહેર કરાયેલા અસલમ બોડિયાની કારમાં સીસીટીવી ફુટેજ શંકા ઉભી કરે એવા છે. ૧૯મી જાન્યુઆરીએ રાત્રે ગુજસીકોટનો ગુનો નોંધાય છે. અને પોલીસ ૨૦મીએ ભીમ રાજસ્થાનના ટોલનાકેથી એ પસાર થયો હોવાનું જણાવે છે અને કારને પાછળથી ટ્રકે ટક્કર મારી હોવાનું જણાવે છે ત્યારે સીસીટીવી ફુટેજમાં ઇકોકાર આગળથી અથડાયેલી હોવાનું દેખાઇ રહ્યું છે. આમ ૨૦ જાન્યુઆરીથી અસલમની મુવમેન્ટ ક્રાઇમબ્રાંચ જાણતી હોવા છતાં છેક ૧લી ફેબ્રુઆરી સુધી કેમ ના ઝડપ્યો એવો સવાલ ઉભો થાય છે.

બિચ્છુ ગેંગનો અસ્ફાકબાબા હાજર થયો હોવા છતા હજુ સુધી જાહેર કરાયો નથી

અસલમ બોડિયાથી વિવાદમાં આવેલી ક્રાઇમ બ્રાંચે એની કામગીરી અંગે શંકાજાય એવું વધુ એક પગલું ભર્યું છે. ગુજસીકોટ હેઠળના ગુનામાં અસલમ ઝડપાયા બાદ આજે મંગળવારે ક્રાઇમ બ્રાંચ સમક્ષ ગભરાઇને હાજર થયેલા ૨૬ પૈકીના ૪થા નંબરના આરોપી અસ્ફાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ બપોરે ૧૨ઃ૩૦ વાગે હાજર થઇ ગયો હોવા છતાં મોડી સાંજ સુધી એની કોઇ જાહેરાત કરાઇ નથી. ખરેખરતો આવા ગુનામાં આરોપી હાજર થાય એ પોલીસ માટે ગર્વલેવા જેવી બાબત છે પરંતુ ક્યા કારણોસર માહિતી છુપાવામાં આવે છે એ સમજમાં આવતું નથી.

ગુજસીકોટની શહેરમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદમાં ૪ નંબરનો આરોપી કે જે યાકુતપુરા મીનારા મસ્જીદની બાજુમાં રહે છે. એ અસ્ફાક ઉર્ફે બાબા સામે શહેરના જુદાજુદા પોલીસ મથકોમાં ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેના કારણે નવનિયુક્ત પો.કમી. શમસેરસિંગની સુચનાથી બિચ્છું ગેંગના ૨૬ સામે ગુનો નોંધાયો હતો. ગઇ કાલે અસલમ બોડિયાના પ્રકરણ બાદ અત્યાર સુધી ભુગર્ભમાં રહેલો અસ્ફાક મંગળવારે બપોરે ૧૨ વાગ્યા બાદ ક્રાઇમ બ્રાંચની કચેરીએ જાતે હાજર થયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ મોડી રાત સુધી આ અંગે કોઇ અખબારી યાદી જાહેર નહીં કરતાં અનેક શંકાઓ ઉભી થઇ છે.