વડોદરા : વડોદરામાં નોંધાયેલા પહેલીવારના ‘ગુજસીટોક’ના ગુનામાં પોલીસની પાંચ પાંચ ટીમોને હંફાવનાર બિચ્છુગેંગનો મુખ્ય સૂત્રધાર ‘અસલમ બોડિયો’ અંતે પોલીસ સમક્ષ હાજર થયો છે. જાે કે, પોલીસ પોતાની જાંઘ બચાવવા એને સંખેડા નજીકથી ઝડપી પાડયો હોવાનું અખબારીયાદીમાં જણાવે છે. પરંતુ સામાન્ય રીતે ઝડપી પાડનાર અધિકારી કે ટીમનું નામ જાહેર કરનાર પોલીસ ખાતાએ એની વિગત નહીં આપતાં ‘બોડિયો’ હાજર થયો હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે.

કોઈની પણ શેહશરમ રાખ્યા વિના આગવી ઢબથી કામ કરવા જાણીતા નવનિયુક્ત પોલીસ કમિશનર ડો. સમશેરસિંગની સૂચનાથી તા.૧૯ જાન્યુઆરીએ શહેરમાં સૌ પ્રથમ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં શહેરમાં વરસોથી ખંડણી, હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી જેવા ગુનાઓ આચરતી બિચ્છુગેંગના ર૬ ટપોરીઓ સામે એક જ એફઆઈઆર થઈ હતી જેમાં મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો અને મુન્નો તડબૂચ સિવાયના સામાન્ય કહી શકાય એવા ૧૨ જણાને ઝડપી લેવાયા હતા. બિચ્છુગેંગના એક સાથે ૧૨ જણાને ઝડપી લેવાયા બાદ બીજાે એક આરોપી નવસારીથી અને એકને જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી મેળવ્યા બાદ આંકડો ૨૬માંથી ૧૪ આરોપીઓ ઝડપાયા હોવાનો થયો હતો. પરંતુ મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો અને મુન્નો તડબૂચ પોલીસ પકડથી દૂર રહેતાં ક્રાઈમ બ્રાન્ચ ઉપર દબાણ વધ્યું હતું. જેના કારણે જુદી જુદી પાંચ ટીમોની રચના કરવામાં આવી હતી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્ય સહિત ગુજરાતના અન્ય ભાગોમાં બે ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ ૧૨ દિવસ વીતી ગયા હોવા છતાં એક પણ ટીમ તેને ઝડપી શકી નહોતી. બીજી તરફ મુન્નો તડબૂચ અને અસલમની મિલકતો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રાજકીય નેતાઓ સાથેના સંબંધો બહાર ન આવે એ માટે ‘બોડિયા’નું એન્કાઉન્ટર થશે એવી વાતો વહેતી થતાં અસલમ બોડિયો ગભરાયો હતો અને ત્રણ મુસ્લિમ પોલીસ કર્મચારીઓ એવા એક નિવૃત્ત વિવાદાસ્પદ પોલીસ કર્મી., એસઓજીનો એક પોલીસ કર્મચારી તેમજ ડીસીબીનો એક એએસઆઈનો સંપર્ક કરી હાજર થવાનો તખ્તો ઘડાયો હતો એ મુજબ ભદ્ર કચેરી ક્રાઈમ બ્રાન્ચ ખાતે રવિવારે રાત્રે બોડિયો હાજર થયો હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે.

દરગાહમાંથી બોડિયાને ઝડપી પડાયો હોવાનો દાવો

બિચ્છુગેંગ સામે નોંધાયેલા ‘ગુજસીટોક’ના ગુનાની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી ચૌહાણના જણાવ્યા મુજબ એક ટીમ લાંબા સમયથી અસલમનો પીછો કરી રહી હતી. અજમેરથી પરત ફર્યા બાદ નંદુરબાર, અક્કલકુવા, અંકલેશ્વર, છોટાઉદેપુર, નસવાડી, બોડેલી જેવા સ્થળો ઉપર ક્રાઈમ બ્રાન્ચની ટીમ એનો પીછો કરતાં પહોંચે એ પહેલાં બોડિયો રવાના થઈ જતો હતો, અંતે સંખેડા પાસે છુંછાપુરા સ્થિત દરગાહમાં છૂપાયેલા બોડિયાને ઝડપી પાડવા માટે ખુદ એસીપી ચૌહાણ, પીઆઈ સોલંકી સહિતની ટીમે પહોંચી જઈને દબોચી લીધો હતો.

અસલમને મદદ કરનાર પોલીસ ત્રિપુટી કોણ?

અસલમ બોડિયો ઝડપાયો કે હાજર થયો એવી ચર્ચાઓ વચ્ચે પોલીસબેડામાં વડોદરા પોલીસની ઈજ્જત બચાવવા માટે ત્રણ જણા મદદે આવ્યા હોવાનું કહેવાય છે જેમાં ભારે વિવાદાસ્પદ બનેલા ઈમામ જેવા એક નિવૃત્ત પોલીસ કર્મચારી, જ્યારે એસઓજીમાં ફરજ બજાવતા અને તાંદલજામાં મોટી હોટેલ ધરાવતા કમાલ જેવા અને ડીસીબીમાં ફરજ બજાવતા સલીમ જેવાની ત્રિપુટી ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. જેમાં રસીકરણને લીધે ખુદ ઉચ્ચ અધિકારીઓની તબિયત નરમ થઈ છે એવા સમયનો ફાયદો ઉઠાવી રવિવારે રાત્રે બે વાગે બોડિયાને ભદ્ર કચેરીએ લવાયો હોવાનું ચર્ચાય છે.