વડોદરા, તા.૯ 

શહેરના ફતેગંજ પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ ડેથના મામલામાં સૌથી મહત્વનો પુરાવો શેખ બાબુના મૃતદેહને શોધવા પોલીસે આકાશ-પાતાળ એક કર્યો છે. ત્યારે નવેસરથી તપાસનો આરંભ કરી હાથ લાગેલી બે મહત્વની કડીઓ ઉપર હવે તપાસ કેન્દ્રિત કરવામાં આવશે એમ પોલીસના વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન ભાગેડું પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલોને હજુ સુધી પોલીસની ટીમો શોધી શકી નથી, ત્યારે રાજ્ય બહાર સરકી ગયા હોવાની શક્યતાને આધારે તપાસ એ દિશામાં પણ લંબાવાશે. જ્યારે મૃતદેહ સગેવગે કરવા વપરાયેલી સફેદ કારને શોધી કાઢવામાં આવી છે.

વડોદરા પોલીસ દ્વારા શેખ બાબુની હત્યા થઈ હોવાનું સાબિત કરવા માટે એમનો મૃતદેહ શોધવો જરૂરી બન્યો છે. ત્યારે ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તા.૧૦મી ડિસેમ્બરની રાત્રિ ૨.૩૦ વાગે ફતેગંજ પોલીસ મથકના કંપાઉન્ડમાં પ્રવેશી પીઆઈના પોર્ચમાં ૧૭ મિનિટ માટે થોભેલી ખાનગી સફેદ કલરની કારની ઓળખાણ થઈ ચૂકી છે અને આ કાર શેખ બાબુની હત્યામાં સંડોવાયેલા ચાર એલઆરડી પોલીસ જવાનો પૈકી એકની હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસ મૃતદેહનો ભેદ ઉકેલવામાં અત્યંત નજીક હોવાનું માનવામાં આવે છે. આ કારમાં જ શેખ બાબુના મૃતદેહને સગેવગે કરવા લઈ જવાયો હોવાનું પ્રથમદર્શી રીતે સપાટી પર આવ્યું છે.

શેખ બાબુના મૃતદેહને સગેવગે કરવા માટે વપરાયેલી કાર રાત્રે ર.૩૦ વાગે ફતેગંજ પોલીસ મથકમાં ગયા બાદ બહાર નીકળી હતી અને એ કાર ફતેગંજ પોલીસ મથકેથી બહાર નીકળ્યા બાદ જમણી બાજુ વળી પોલિટેકનિક બ્રિજ થઈ ગેંડા સર્કલ વટાવી રેસ કોર્સથી ગોત્રી તરફ જઈ સેવાસી અને ત્યાંથી સિંધરોટની આગળ વાંકાચૂકા વળાંકવાળા રસ્તાઓ ઉપર જઈ ઊભી રહી હતી. ત્યાં માત્ર ૧૦ જ મિનિટ રોકાયા બાદ આ કાર શહેર તરફ પરત આવી હોવાનું ટેકનિકલ સવેર્લન્સમાં બહાર આવ્યું હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળોએ જણાવ્યું છે.

જ્યારે પોલીસ એક બીજી થિયરી ઉપર પણ આગળ વધી તપાસ હાથ ધરી રહી છે. જેમાં જરોદ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ કે જેમાં બારેમાસ ભરપૂર પાણી વહેતું હોય છે એ કેનાલમાં શેખ બાબુનો મૃતદેહ પધરાવી દેવાયો હોવાનું પણ માની રહી છે. એના કારણે પોલીસે વડોદરા જિલ્લા ઉપરાંત પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ગામો કે જ્યાંથી મેઈન કેનાલ પસાર થાય છે એ ગામો અને વિસ્તારોમાં તા.૧૦મી ડિસેમ્બરથી લઈ તા.ર૦મી ડિસેમ્બર સુધી મળી આવેલા બિનવારસી મૃતદેહો અંગે પણ તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે, સિંધરોટ ખાતે લાશ સગેવગે નહીં થતાં એને જરોદ પાસેની નર્મદા કેનાલના રાત્રિના અંધારામાં ફેંકી દેવાઈ હોઈ શકે છે.

શેખ બાબુ ગુમ થયા બાદ ખુદ પોલીસે જ એમની હત્યા કરી દીધી હોવા ઉપરાંત મૃતદેહને પણ સગેવગે કરી દેવાયો હોવાનું એસીપીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે અગાઉ જ પોલીસે જુદી જુદી ટીમો બનાવી શહેર અને આસપાસમાં તા.૧૦મીથી લઈને તા.૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ સુધીમાં મળેલા બિનવારસી મૃતદેહોમાં કોઈ શેખ બાબુનો મૃતદેહ તો નથી ને! એની તપાસ હાથ ધરી હતી, પરંતુ એ દિશામાં પોલીસને કોઈ સફળતા હાંસલ થઈ શકી ન હતી. તેથી હવે નવેસરથી હાથ ધરાયેલી તપાસમાં પોલીસ જુદી જુદી બે થિયરીઓ ઉપર તપાસ કરી રહી છે.

વિવાદાસ્પદ પીઆઈ ગોહિલ પણ રીઢા ગુનેગાર!

ફતેગંજ કસ્ટોડિયલ ડેથમાં સંડોવાયેલા આરોપી પીઆઈ ડી.બી.ગોહિલ સામે જામજાેધપુર કોર્ટમાં પણ આરોપીને માર મારવાની ફરિયાદનો કેસ થઈ ચૂકયો છે જેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. આમ પીઆઈ ગોહિલ સામે આરોપીને માર મારવાનો આરોપ સાડા ત્રણ વર્ષ અગાઉ લાગી ચૂકયો છે ત્યારે શેખ બાબુ પણ રીઢો ચોર હોવાનું સાબિત કરવાથી એને મારી નાખવાનો પરવાનો નથી મળી જતો એમ જાણકારોનંુ માનવું છે.

પીઆઈ ડી.બી.ગોહિલ જાતે વકીલ

કસ્ટોડિયલ પ્રકરણમાં સંડોવાયેલા પીઆઈ ડી.બી.ગોહિલ જાતે વકીલ પણ છે અને અગાઉ સનદ પણ મેળવી હોવાથી આ પ્રકરણ લાંબા સમય સુધી સંભાળી રાખવામાં સફળ રહ્યા હોવાનું કહેવાય છે. જ્યારે પીએસઆઈ રબારી અગાઉ વારંવાર વિવાદોમાં આવતા અને હાલ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી જે રબારી અટકના જ છે એમના નજીકના સગાં છે. જ્યારે એમનો સગો ભાઈ પણ અમદાવાદમાં પીએસઆઈ હોવાથી એમને વગ વાપરી હોવાનું જાણવા મળ્યંુ છે.

ફરિયાદમાં દશાર્વાયેલા તમામ ગુનાઓના સજ્જડ પુરાવાઓ પોલીસને મળી ચૂકયા છે!

વડોદરા, તા.૯

ફતેગંજ પોલીસ મથકમાં બનેલા ચકચાર શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ અંગેના મહત્ત્વના પુરાવાઓ પ્રાપ્ત થઈ ચૂકયા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જ જણાવ્યું છે. ખાસ કરીને એફઆઈઆરની વિગતોને સમર્થન અને પુરાવા પોલીસને મળી ચૂકયા હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. ખાસ કરીને આરોપી પોલીસ વિભાગના જ હોવાથી તપાસમાં એમને બચાવાઈ રહ્યા છે એવી છાપ વડીઅદાલતમાં ઊભી ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.હાઈકોર્ટમાં શુક્રવારે વડોદરા પોલીસને શેખ બાબુના કસ્ટોડિયલ ડેથ અંગેનો વિગતવાર અહેવાલ જેમાં તપાસમાં બહાર આવેલી વિગતો અને પુરાવાઓ તથા મહત્ત્વપૂર્ણ નિવેદનો રજૂ કરવાના છે ત્યારે વડોદરા પોલીસે ફતેગંજ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલ સામે નોંધાવેલી ફરિયાદ પણ રજૂ કરવામાં આવશે. આ અંગે મહત્વના પુરાવાઓ અને પૂરક નિવેદનોથી એફઆઈઆરની વિગતોને સમર્થન મળશે એમ સૂત્રોએ જણાવ્યું છે.તપાસમાં શેખ બાબુના મૃતદેહની શોધ અંગે તપાસ કરનાર અધિકારીઓએ ઈન્વસ્ટિગેશન ગોઈંગ ઓન હોવાથી બોલાવવાનું ટાળ્યું હતું. પરંતુ એફઆઈઆરમાં એમનું મોત નીપજાવાયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે ત્યારે જાે શેખ બાબુ જીવિત હોય તો એમને હાજર કરવાની જવાબદાર આરોપી પોલીસ કર્મચારીઓની હોવાનું જાણકારોએ જ જણાવ્યું છે. બીજી તરફ પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલોને શોધવાની કામગીરી અંગે પણ તપાસ અધિકારીઓએ મૌન સેવ્યું હતું.