વડોદરા : ગત રવિવારના રોજ સ્થાનિક આરોગ્ય વહીવટીતંત્ર દ્વારા બીજા તબક્કામાં કોરોનાની રસીકરણ ૩૫ જેટલા કેન્દ્રો ઉપર શરૂ કરવામાં આવી હતી. જેમાં કલેકટરથી લઈને સફાઈસેવક સુધીના તમામ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સોએ રસી મુકાવી હતી. જાે કે, ગઈકાલે કોર્પોેરેશનના વોર્ડ નં.૯ના સફાઈસેવક કર્મચારીએ રસી લીધા બાદ તેનું શંકાસ્પદ મોત થયું હોવાથી ભારે ચકચાર સાથે ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યાર બાદ આજે પોલીસ વિભાગના ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓએ રસી લીધા બાદ ૧૮ જેટલા પોલીસ તાલીમાર્થીઓને સામાન્ય આડઅસર થતાં તેઓ ગભરાયેલી હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા, જ્યાં તમામને સારવાર આપી હતી, જે પૈકી ત્રણ તાલીમાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને અનુલક્ષીને સમગ્ર રાજ્ય અને નાના મોટા શહેરોમાં કોવિડની કોવિશિલ્ડ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં આ રસીકરણના બીજા તબક્કામાં જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર, ઓએસડી, પોલીસ કમિશનર સહિત ચોથા વર્ગના કર્મચારીઓને રસી આપવાનો કાર્યક્રમ અલગ અલગ કેન્દ્રોમાં યોજાયો હતો. જેમાં ગઈકાલે પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે ફાળવવામાં આવેલ રસીકરણ કેન્દ્રમાં પોલીસ વિભાગની ટ્રેનિંગ સકૂલના પોલીસની તાલીમ લઈ રહેલ યુવતી સહિત તાલીમાર્થીઓએ કોરોનાની રસી મુકાવી હતી. આ તમામ રસીધારકોને કોરોનાની રસી પ્રોટોકોલ અને કોવિડની ગાઈડલાઈન મુજબ તમામ અડધા કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેઓને રજા આપવામાં આવી હતી. નમતી બપોરે મહિલા સહિત ૧૮ તાલીમાર્થી પોલીસને ચક્કર, ઊલટીઓ અને તાવ જેવી આડઅસર જાેવા મળી હતી. આ તમામને પોલીસવાનમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેના કારણે પોલીસ તાલીમાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ તમામ અસરગ્રસ્તોએ ચક્કર, ઊલટી, તાવ, માથું દુઃખવા જેવી ફરિયાદો કરી હતી. જેથી તબીબોએ ફરિયાદને આધારે અસરગ્રસ્ત તાલીમાર્થીઓની સારવાર હાથ ધરી હતી. સારવાર બાદ મોટાભાગના અસરગ્રસ્તોની તબિયત સ્ટેબલ હોવાથી રજા આપવામાં આવી હતી, જ્યારે ત્રણ તાલીમાર્થી પોલીસ જવાનોને દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર લેનાર પોલીસ તાલીમાર્થીઓ

મિત્તલ વાંદળે (ઉં.વ.૩૦), રાધા રાઠવા (ઉં.વ.રપ), લક્ષ્મી ઠાકોર (ઉં.વ.૨૦), દીપિકા મોદી (ઉં.વ.રર), શિલ્પા રબારી (ઉં.વ.ર૩), આરતી મીઠાપરા (ઉં.વ.ર૩), આશા રબારી (ઉં.વ.ર૧), મેઘના ભલગાળિયા (ઉં.વ.ર૪), સરસ્વતી પંડયા (ઉં.વ.રર), ગૌતમ ધરેજિયા (ઉં.વ.ર૬), સિદ્ધાર્થ ચૌધરી (ઉં.વ.ર૪), કવિતા ભાલિયા (ઉં.વ.ર૪) અને શિલ્પા વાઘેલા સહિતનાને સારવાર આપવામાં આવી હતી.

અધિકારીઓની તબિયત નરમ થઈ હોવાની ચર્ચા

વડોદરા. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રસી અપાયા બાદ પોલીસ કમિશનર સહિત કેટલાક અધિકારીઓની તબિયત નરમ થઈ હોવાની ચર્ચાએ પોલીસબેડામાં જાેર પકડયું છે. જાે કે, કોઈને પણ હોસ્પિટલ ખાતે જવાની જરૂર ઊભી થઈ ન હતી, પરંતુ ઘરે જ આરામ ફરમાવતા હોવાનું જણાવ્યું હતું.

પોલીસ જવાન ચક્કર આવતાં ઢળી પડ્યો

વડોદરા.શહેરમાં કોરોનાની આડઅસરના બનાવો વધી રહ્યા છે તેવા સમયે આજે ગોલ્ડન ચોકડી ખાતે ફરજ બજાવતા અને કોવિડની રસી ધારણ કરનાર પોલીસ કર્મચારીને ઓનડયૂટી પર એકાએક ચક્કર આવતાં તે ઢળી પડયો હતો અને લોહીની ઊલટીઓ થતાં તેને તાત્કાલિક અસરથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોવિડની રસીની આડઅસરના બનાવ વધી રહ્યા હોવાથી સ્થાનિક તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે પરંતુ તંત્ર દ્વારા રસીની આડઅસરના બનાવો પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે.