ગાંધીનગર, કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં મંત્રી મંડળનું વિસ્તરણ કર્યું હતું, જેમાં ગુજરાતને સારું એવું પ્રતિનિધિત્વ મળ્યું છે. જાે કે ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાની ટીમમાં ૧૪ વર્ષ બાદ ગુજરાતના યુવા નેતાઓની બાદબાકી થયેલી જાેવા મળી છે. કારણ કે, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યાએ તેમની ટીમમાં ગુજરાતનાં એક પણ યુવા નેતાનો સમાવેશ કર્યો નથી. જાે કે સં ખાવા માટે ગુજરાતનાં વરુણ ઝવેરીને એક કમિટીમાં સ્થાન અપાયું છે. જેના કારણે ગુજરાત ભાજપમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા દ્વારા તેમની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના એક સદસ્ય કે યુવા નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી. જાે કે સામાન્ય રીતે રાષ્ટ્રીય યુવા મોરચાની ટીમમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના કોઈ એક હોદ્દેદારને સ્થાન મળતું રહ્યું છે. જાે કે, વર્ષ ૨૦૦૭ પછી એટલે કે ૧૪ વર્ષ પછી પહેલી વખત ગુજરાત ભાજપ યુવા મોરચાના એક પણ હોદ્દેદાર કે આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.ગુજરાત યુવા મોરચાની અત્યાર સુધીની ટીમો સૌથી વધુ સક્રિય અને મજબૂત ટીમ રહી છે. જેમાંથી પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરનું નેતૃત્વ ઉભું થયેલું છે. ભાજપમાં સંગઠનની બાબતમાં ગુજરાત ભાજપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આ વખતે ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના એક પણ સભ્યનો સમાવેશ ન કરીને ગુજરાતની જે અવગણના કરવામાં આવી છે, તે બાબત ગુજરાત ભાજપમાં ચર્ચાનો વિષય બની છે. આ વખતે ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના કોઈ પણ એક યુવા નેતાને કે હોદ્દેદારને સ્થાન મળે તેવી શક્યતાઓ જાેવાઈ રહી હતી. કારણ કે, અત્યાર સુધીમાં રાષ્ટ્રીય ભાજપના અન્ય મોરચાઓમાં ગુજરાતના હોદ્દેદારોને મહત્વની જવાબદારી સોંપવામાં આવેલી છે. તેમજ તાજેતરમાં અને સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ ગુજરાતનાં મંત્રીઓનો વધારો થયો છે.ભૂતકાળમાં વર્ષ ૨૦૦૭ માં યુવા નેતા અમિત ઠાકર ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા, ત્યાર બાદ સતત દરેક ટર્મમાં ગુજરાતના કોઈને કોઈ યુવા નેતા અને આગેવાનોને સ્થાન મળતું રહ્યું છે.