નવસારી-

અખંડ ભારતના ગઠન પૂર્વે વાંસદા સ્ટેટના સ્વર્ગીય શ્રીમંત મહારાજા પ્રતાપસિંહજી સોલંકીએ પોતાના રાજ્યના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મળી રહે એ હેતુથી 1920 માં વરનાક્યુલર શાળાની શરૂઆત કરી હતી. જેમાં ભારતના અન્ય રાજ્યોમાંથી શિક્ષણવિદોને આશ્રય આપીને શિક્ષણ અપાતું હતું. જે શાળા સમયાંતરે પ્રતાપ હાઇસ્કુલ બની અને 2020 માં તેના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ યોજી વિભિન્ન કાર્યક્રમો હાથ ધરાયા હતા.

જોકે કોરોના કાળને કારણે શાળાના 100 વર્ષના ઐતિહાસિક ગૌરવને ઉજાગર કરતા પુસ્તક શતાબ્દી સૌરભ પુસ્તકનું વિમોચન અટક્યું હતું. ત્યારે આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે શતાબ્દી સૌરભ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે ભુતપૂર્વ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માનિત કરાયા હતા. જ્યારે શાળાની યાદો તાજી કરી દેશ-વિદેશમાં સ્થાયી થયેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ લાખોના દાનની સરવાણી પણ વહાવી હતી.