વડોદરા, તા.૨૪ 

ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી.ના નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલના વિજય બાદ આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે ફરી ચીરમેન પદે અતુલ પટેલ અને વાઈસ ચેરમેન પદે અજીત પટેલની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપ પ્રમુખને સાંસદ,ધારાસભ્યો શહેર-જીલ્લા ભાજપ પ્રમુખ સહિતે પુષ્પગુચછ આપીને શુભેચ્છા પાઠવી હતી.

વડોદરા જીલ્લામાં સૌથી મોટી નાણાંકિય વ્યવહારો સંભાળતી સહકારી સંસ્થા ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્કના નિયામક મંડળની ચૂંટણીમાં અતુલ પટેલની આગેવાનીમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.આજે એસડીએમ અને ચૂંટણી અધિકારી વિજય પટણીની ઉપસ્થિતીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.બેન્કના ચેરમેન પદ માટે અતુલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપ પ્રમુખ પદે અજીત પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ચેરમેન પદે અતુલ પટેલ અને વાઈસ ચેરમેન પદે અજીત પટેલની વરણી કરાઈ હતી.ફરી એકવાર ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી.ના ચેરમેન પદે અતુલ પટેલ અને વાઈસ ચેરમેન પદે અજીત પટેલની વરણી થતા સાંસદ રંજનબેન ભટ્ટ,ધારાસભ્ય શૈલેષ સોટ્ટા,શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વીન પટેલ તેમજ જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનોએ પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી.

ચેરમેન પદે ફરી નિયુક્ત થયા બાદ અતુલ પટેલે જણાવ્યુ હતુ કે, બેન્કના વહિવટને ૧૨ વર્ષ પૂર્ણ થયા છે.અને વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધી અતુલ પટેલની આગેવાનીમાં બેન્કનો વહિવટ થનાર છે.વર્ષ ૨૦૦૮-૦૯ના સમયમાં બેન્કની એકત્રીત ખોટ ૧૨૯ કરોડની હતી.પરંતુ અસરકારક કામગીરીના કારણે વર્ષ૨૦૨૦માં આ ખોટ ૭.૭૩ કરોડ થવા પામી છે. અને આગામી હિસાબી વર્ષમાં બેંક સંપૂર્ણ પણે નફો કરતી બેંક થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.