માઉન્ટ મોંગાનુઇ

એલિસા હેલી (૬૫), એલિસ પેરી (અણનમ ૫૬) અને એશ્લે ગાર્ડનર (અણનમ ૫૩) અને મેગન શૂટ (૪/૩૨) ની શાનદાર બોલિંગથી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે અહીં બે ઓવલમાં ન્યૂઝીલેન્ડને હરાવી હતી. મેદાન પર રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં છ વિકેટથી તેઓએ ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે લોરેન ડાઉન્સ ૧૩૪ બોલમાં આઠ ચોગ્ગાની મદદથી ૯૦ રનની સહાયથી ૪૮.૫ ઓવરમાં ૨૧૨ રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઓસ્ટ્રેલિયન ટીમ મેદાન પર આવી હેલીની ૬૮ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૬૫, એલિસની ૭૯ બોલમાં સાત ચોગ્ગા ૫૬ અણનમ અને ગાર્ડનરના ૪૧ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ ૫૩ રનની મદદથી ૩૮.૩ ઓવરમાં ચાર વિકેટે ૨૧૫ રન બનાવી મેચ જીતી. ન્યુઝીલેન્ડની ઇનિંગ્સમાં એમેલિયા કેરે ૩૩ અને એમી શેથરવેટે ૩૨ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી શૂટ સિવાય નિકોલા કેરીએ ત્રણ અને ગાર્ડનરે એક વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી જેસ કેર, હેન્ના રોવે, એમેલિયા કેર અને શેથરવેટે એક-એક વિકેટ ઝડપી હતી.

આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સતત ૨૨ મી વનડે જીત મેળવી હતી અને ૨૦૦૩ માં સતત ૨૧ વનડે મેચ જીતવાના ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. તમને જણાવી દઇએ કે આજ પહેલા કોઈ પણ ટીમ પુરુષ કે મહિલા વનડે ફોર્મેટમાં સતત ૨૨ મેચ જીતી શકી ન હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ખરેખર એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.

પુરૂષ અથવા સ્ત્રી ક્રિકેટમાં સૌથી વધુ સતત વનડે મેચ જીતવાનો રેકોર્ડઃ

• ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમઃ ૨૨ જીત * (૨૦૧૮-૨૧)

• ઓસ્ટ્રેલિયાની પુરુષ ક્રિકેટ ટીમઃ ૨૧ જીત (૨૦૦૩)

• ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમઃ ૧૭ જીત (૧૯૯૭-૯૯)

• ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમઃ ૧૬ જીત (૧૯૯૯-૨૦૦૦)

• ભારતીય મહિલા ક્રિકેટ ટીમઃ ૧૬ જીત (૨૦૧૬-૧૭)