વડોદરા : દાનનું મહત્ત્વ તેમજ તેની પરિભાષા સમજી ચૂકેલા વડોદરા શહેરના શિક્ષિત બ્રાહ્મણ પરિવારના વડીલબંધુનો દેહદાનનો સંકલ્પ પૂર્ણ કરવા તેમના મોટા પુત્રોએ પિતાના અવસાન બાદ દેહદાન માટે ગઈકાલે મૃતદેહને લઈને સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. દેહદાનની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ હાલ કોરોના કાળ ચાલતો હોવાથી હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના સત્તાધીશોએ દેહદાન સ્વીકાર કરવાનો ઈન્કાર કરતાં વડીલબંધુનો દેહદાનનો સંકલ્પ બંને પુત્રો પૂરો કરી ન શકતાં ભારે હૈયે પિતાનો મૃતદેહ પરત ઘરે લઈ ગયા હતા અને પરંપરાગત રીતે અંતિમવિધિ સ્મશાન ખાતે કરી હતી.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ધાર્મિક હિન્દુશાસ્ત્રોમાં અન્નદાન, વસ્ત્રદાન, પાત્રદાન સહિત અનેક પ્રકારના દાનોનો મહિમા વર્ણવવામાં આવ્યો છે જેમાં દેહદાનનું પણ ઉત્તમ મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ ભગીરથ સોસાયટીમાં પ્રદ્યુમનભાઈ પરસોત્તમભાઈ પાઠક (ઉં.વ.૮૦) તેમના પુત્રો જૈમિનભાઈ પાઠક અને સતીષભાઈ પાઠક સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પ્રદ્યુમનભાઈ પાઠક નર્મદા નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે સેવા આપતા હતા અને સેવાનિવૃત્ત થયા બાદ નિવૃત્તિમય જીવન પરિવાર સાથે પસાર કરતા હતા. જ્યારે તેમના બે પુત્રો પૈકી નાના પુત્ર જૈમિનભાઈ પાઠક ઈલેકટ્રીકના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે મોટા પુત્ર સતીષભાઈ પાઠક એમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.પ્રદ્યુમનભાઈ પાઠકે તેમના બંને પુત્રોના પરિવાર સમક્ષ દેહદાન કરવાનો સંકલ્પ કરી પોતાના અવસાન બાદ અંતિમસંસ્કાર કરવાને બદલે મેડિકલ ક્ષેત્રે અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજમાં દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બ્રાહ્મણ પરિવારના વડીલબંધુના દેહદાન કરવાના સંકલ્પના થોડાં દિવસો બાદ માંદગીમાં પ્રદ્યુમનભાઈ પાઠકનું અવસાન થયું હતું, જેથી સંકલ્પ અને ઈચ્છા અનુસાર બંને પુત્રોએ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે પિતાના મૃતદેહને લઈને દેહદાન કરવા માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં દેહદાન માટેની કાનૂની પ્રક્રિયા હાથ ધરી હતી.