આબુ-

માઉન્ટ આબુમાં ગુજરાતી પર્યટકો પર કુહાડીથી હુમલો થયાની ઘટના સામે આવી છે જેમાં ત્રણ ગુજરાતી પર્યટકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મળતી જાણકારી મુજબ ગુજરાતી પ્રવાસીઓને જમવા બાબતે હોટલના સંચાલકો સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મહેસાણાના સતલાસણા ખાતે રહેતા ભવાનીસિંહ તેમના મિત્રો સાથે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે ફરવા ગયા હતા. ત્યાં આવેલી જય અંબે હોટલમાં તેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન હોટલ સંચાલક સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા હોટલ સંચાલક અને તેના સાગરીતોએ ગુજરાતી પર્યટકો પર કુહાડીથી હુમલો કર્યો હતો. તેમજ ઝપાઝપીમાં પર્યટકોના કપડા પણ ફાટી ગયા હતા. અને દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આબુ રોડ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પ્રથમ ઈજાગ્રસ્ત ગુજરાતી પર્યટકોને હોસ્પિટલમાં ખસેડયા હતા. અને ઘાયલોને નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.