વડોદરા તા.૧૨  

વડોદરા જિલ્લાના ડભોઈ માં કડીયાવાડ,તાઈ વાઘા, તલાવપુરા તેમજ છીપાવાડના દરેક નાના નાના ફળિયામાં છેલ્લા ત્રણ દિવસથી સતત આર્યુવેદીક અમૃત પેય લાઈવ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ શહેરના આ વિસ્તારોને કોવિડ- ૧૯ હેઠળ કંતેન્ટમેંત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા અને નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ૧૮૦૦૦ હજાર ઉપરાંત લોકોને આર્યુવેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા આર્યુવેદ અધિકારી ડો.સુધીર જોશીએ જણાવ્યું કે ડભોઈ શહેરમાં પ્રથમ દિવસે ૨૨૦૦ લાભાર્થી,બીજા દિવસે ૮૩૫૦ લાભાર્થી અને ત્રીજા દિવસે પણ ૮૩૫૦ લાભાર્થી સહિત છેલ્લા ત્રણ દિવસમાં લ ૧૮,૦૦૦ થી વધુ લોકોએ અમૃત પેય ઉકાળા નો લાભ લીધો છે. હજુ વધુ બે દિવસ સુધી પણ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. જેનો ડભોઈની જાહેર જનતાને વધુમાં વધુ લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

આ ઉકાળા વિતરણ કેમ્પનું સંચાલન ડભોઈના મેડિકલ ઓફિસર વૈદ્ય નિકુંજ પોપટાણી, ભીલાપૂરના વૈદ્ય સારિકા જૈન , મોટા હબીપુરાના વૈદ્ય ઝંખના જાદવ તેમજ સીમલીયાના મેડિકલ ઓફિસર ડાૅ.રવિના રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટરની ટીમ દ્વારા લોકોને કોરોનાથી બચવા માટે તેમજ ઉકાળા વિતરણ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોથી સમજૂતી પણ આપી હતી. કોરોના સંક્રમણને અટકાવવા વધુ માં વધુ લોકો માર્ગદર્શિકા નું પાલન કરે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. જેથી લોકો કોરોનાના સંક્રમણ સામે બચવા માટે પોતાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે.