મુબંઇ

બાબા રામદેવની દવા કોરોનિલ ટેબલેટ અંગે મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા રાજસ્થાન સરકારે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ કે, કોરોનિલના ક્લીનિકલ ટ્રાયલ અંગે હજુ સુધી કોઈ ઠોસ માહિતી મળી શકી નથી. એવામાં મહારાષ્ટ્રમાં દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ પહેલા મંગળવારે ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યુ હતું કે, જેણે વિશ્વાસ હોય એ જ આ દવાનું સેવન કરે.

મહારાષ્ટ્રના  ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુરુવારે ટ્‌વીટર પર લખ્યું કે, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુર પતંજલિના ‘કોરોનિલ’નું ટ્રાયલ કરાયો હતો કે નહીં તે અંગે તપાસ કરશે. અમે બાબા રામદેવને ચેતવણી આપીએ છીએ કે અમારી સરકાર મહારાષ્ટ્રમાં નકલી દવાઓના વેચાણની મંજૂરી નહીં આપે.

પતંજલિ આયુર્વેદની કોરોના દવા અંગે આયુષ મંત્રી શ્રીપદ નાઈકે બુધવારે કહ્યુ કે, આ સારી વાત છે કે યોગ ગુરુ બાબા રામદેવે દેશને નવી દવા આપી છે. પરંતુ નિયમ પ્રમાણે પહેલા આયુષ મંત્રાલયમાં તપાસ કરાવવા માટે આપવી પડશે. રામદેવે મંગળવારે કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો હતો. કોરોનિલ અને શ્વસારિ નામની દવા લોન્ચ કરતી વખતે રામદેવે કહ્યુ હતું કે, આનાથી માત્ર 7 દિવસમાં દર્દી 100% સાજા થઈ જશે. સરકારે દવાના લોન્ચંગના પાંચ કલાક પછી જાહેરાતને અટકાવી દીધી હતી.