નડિયાદ : ખેડા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતિ હોવાને કારણે તેમનો વિજય નિશ્ચિત હતો. ભાજપે અગાઉની ટર્મના પ્રમુખ નયનાબેન પટેલને ફરીથી પ્રમુખ પદ માટે આગળ કર્યા હતા, જ્યારે બાબુભાઈ પરમારને ઉપપ્રમુખ પદે ફોર્મ ભરાવ્યું હતું. જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે ૨૮ અને કોંગ્રેસ પાસે ૧૬ સભ્યો હોવાથી ભાજપે સરળતાથી પ્રમુખ-ઉપપ્રમુખ પદ મેળવી પંચાયત પર સત્તા જાળવી રાખી છે. ભાજપની સત્તા પુનઃ સ્થપાતા આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ, વિધાનસભા મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી.