નવી દિલ્હી

બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ) એ સોમવારે કહ્યું કે કોવિડ-૧૯ સંબંધિત પ્રતિબંધોને કારણે બે સુપર ૧૦૦ બેડમિંટન ટૂર્નામેન્ટ રશિયા ઓપન ૨૦૨૧ અને ઇન્ડોનેશિયા માસ્ટર્સને રદ કરવામાં આવી છે. બીડબ્લ્યુએફએ એક નિવેદનમાં કહ્યું કે વર્તમાન કોવિડ-૧૯ પ્રતિબંધો અને સમસ્યાઓના કારણે સ્થાનિક આયોજકો પાસે ટૂર્નામેન્ટ રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું 'આ ર્નિણય રાષ્ટ્રીય બેડમિંટન ફેડરેશન ઓફ રશિયા અને બેડમિંટન ઇન્ડોનેશિયાની સલાહ અને બીડબ્લ્યુએફની સંમતિથી લેવામાં આવ્યો હતો.' રશિયા ઓપન ૨૦ થી ૨૫ જુલાઇ સુધી વ્લાદિવોસ્તોકમાં યોજવાનું હતું જ્યારે ૫ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન ઇન્ડોનેશિયા માસ્ટર્સનું આયોજન થવાનું હતું. જૂનમાં કેનેડા ઓપન પણ રદ કરાઈ છે. હૈદરાબાદમાં ૨૪ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન હૈદરાબાદ ઓપન યોજાનાર છે. પરંતુ ભારતમાં કોવિડ-૧૯ ની હાલત જોતાં તે જોવું રહ્યું કે ટૂર્નામેન્ટ યોજાશે કે નહીં.