વડોદરા : કોરોનાની સેકન્ડ વેવમાં કેસો વધે તેવી શક્યતાને વ્યક્ત કરાઈ રહી છે ત્યારે રાજ્યમાં સ્થિતિનો તાગ મેળવવા માટે આવેલી કેન્દ્રની ત્રણ ઉચ્ચ અધિકારીઓની ટીમ અમદાવાદ આવ્યા બાદ વડોદરા આવી હતી. ગોત્રી હોસ્પિટલ બાદ કલેકટર કચેરી ખાતે વડોદરામાં કોરોનાની સ્થિતિ અને તંત્રની કામગીરીની સમીક્ષા કર્યા બાદ ટીમના વડાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસીસ અને હોસ્પિટલોની સુવિધામાં સંતુલન જળવાઈ રહે તે માટે પ્રયાસ સાથે હોસ્પિટલોની સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે તેમજ કેસોના નંબર કરતાં સંતુલન જરૂરી હોવાનું જણાવ્યું હતું. 

ડો. સુજિતકુમાર સિંગની આગેવાની હેઠળ કેન્દ્રની ત્રણ સભ્યોની ટીમ કોરોનાની સ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા માટે બપોરે વડોદરા આવી હતી. ઓએસડી ડો. વિનોદ રાવ સાથે ગોત્રી હોસ્પિટલમાં તબીબો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જિલ્લા કલેકટર કચેરીના ધારાસભ્ય હોલ ખાતે ઓએસડી ડો. વિનોદ રાવ, કલેકટર શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર પી. સ્વરૂપ, ડીડીઓ કિરણ ઝવેરી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની સ્થિતિનો તાગ મેળવી વિસ્તૃત ચર્ચા વિચારણ કરી હતી.

બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ડો. સુજિત કુમાર સિંગે જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે સમગ્ર રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ એક બે શહેરોમાં સમીક્ષા કરવા માટે વડોદરા આવ્યા છે. સમગ્ર દેશમાં રિકવરી રેટ સારો થતો જાય છે તેમજ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં મૃત્યુદર પણ ઓછો છે તે એક સફળતાની નિશાની છે. કોરોનાના કેસીસ અને હોસ્પિટલની સુવિધામાં સંતુલન જળવાઈ રહે તે માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કોઈ બીમાર પડે તેને સમયસર સારવાર મળે અને ઝડપથી રિકવરી થાય તે મહત્ત્વનું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા સાત આઠ મહિનામાં આરોગ્ય સુવિધામા અનેકગણો વધારો થયો છે. કોરોના વાઈરસની પ્રકૃત્તિ એવી છે જે બીમારીના બે દિવસ પહેલાં જ સંક્રમણ ફેલાવવાનું શરૂ કરી દે છે. સંક્રમણ રોકવું કોઈના હાથમાં નથી પરંતુ પ્રશાસનની સૂચના માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવાથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે. કેસોના નંબર કરતાં સંતુલન બનાવવું જરૂરી છે અને પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે.