નડિયાદ, તા.૨૮ 

મહેમદાવાદમાં આવેલી આમસરણ રાયફલ એડવેન્‍ચર એકેડેમીની અરજીના અનુસંધાને તેઓની રેન્‍જ ખાતે વર્ષ દરમિયાન અનેક સ્‍પર્ધાઓ યોજવામાં આવે છે. પરિણામે આગામી ત્રણ વર્ષ સુધી એકેડમીની રેન્‍જ અને તેની આજુબાજુના વિસ્‍તારમાં માનવ અને પશુની હેરફેર પર પ્રતિબંધ મૂકવા માટે માગણી કરવામાં આવી છે. આ માગણીના અનુસંધાને આગામી ૩૧ ડિસેમ્બર સુધી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામામાં જણાવાયું છે કે, પ્રેક્ટિસ દરમિયાન જાહેર જનતાએ ફાયરિંગ રેન્‍જમાં વિના પરવાનગીએ પ્રવેશ કરવો નહીં. પોતાના આશ્રિત પશુઓને સ્‍થળથી દૂર રાખવા. આ જગ્‍યાએ પશુઓ અવર જવર ન કરે તેની તકેદારી રાખવી. ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન બહારના કોઇપણ માણસો, પશુ વગેરે પ્રવેશે નહીં તેની તકેદારીની વ્યવસ્થા આમસરણ રાયફલ એડેવેન્‍ચર એકેડમીના સેક્રેટરીએ ગોઠવવી પડશે. આ હુકમનો ભંગ કરનાર તથા ઉલ્‍લંધન કરનાર વ્‍યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે. 

અહીં કઈ કઈ સ્પર્ધા યોજવામાં આવે છે?

મહેમદાવાદની આમસરણ રાયફલ એડેવેન્‍ચર એકેડમી ખાતે ખેડા ડિસિ્‍ટ્રક્ટ શૂટિંગ ચેમ્પિયનશીપ, અમદાવાદ ડિસિ્‍ટ્રક્ટ શૂટિંગ ચેમ્પિયનશીપ, ગુજરાત સ્‍ટેટની વિવિધ શૂટિંગ ચેમ્પિયનશીપ તેમજ ગુજરાત સરકારના ખેલ મહાકુંભ અંર્તગત રમાતી શૂટિંગ સ્‍પર્ધાઓનું પણ આયોજન આ રેન્‍જ ખાતે થાય છે.